મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૫


પદ ૫

ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ!
નહિતર અચાનક અંધાર થાશે,
જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!
એકવીશ હજાર છસોને કાળ ખાશે–
ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ!
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપતરસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય
ભાઈ રે! નિરમળ થૈ ને આવો મેદાનમાં, પાનબાઈ!
જાણી લિયો જીવની જાત,
સજાતિ વજાતિની જુગતિ બતાવું ને
બેબી પાડી દઉં બીજી ભાત
ભાઈ રે! પિંડે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીએ લેશ.–