મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગોપાળદાસ પદ ૨


પદ ૨

ગોપાળદાસ

ભલી રઝળતી રાખી મારા, સ્વામી ગુરુ દીન દયાળ જી.
તમો વિના આવડી કોણ કરે, કરુણા ભક્તવત્સળ પ્રતિપાળ જી.

પશુતણી ગતી હુતી મારે, પહેલી ભમતી રાનોરાન જી.
કાયા ક્લેશ કરંતી ટળી, વળી મુજને સાન જી.

મનુષ્ય તણી રે દેહ પાર પમાડી, દેવ તણી ગત દીધી જી.
ભવસાગરમાં ડૂબતાં વહાલે, આપે ઉગારી લીધી જી.

ગુર ગોવિંદ સમાન કહેવાણા, તે પરગટ હું પામી જી.
ચિત્તનું તે ચંદન મનની તે માળા, આત્માર્પણ સેવા ઝામી જી.

તેને શી ભેટ કરૂં ત્રિભુવન સ્વામી, એવી વસ્ત ના દેખું કાંઈ જી.
શું આપી ઓશીંકળ થાઉ, એવી હોંસ રહી મન માંહી જી.

આ સેજતણું ઘર ઘાલ્યું મારા, સ્વામી મળિયા અંતરજામી જી.
દાસ ગોપાળની દુર્બળ દક્ષિણા, માની લેજો સતગુરુ બહુ નામી જી.