મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૧૫


કડવું ૧૫

પ્રેમાનંદ

રાગ ગોડી

વિષયાએ વિમાસી જોયું: ‘એ પુરુષને હું નીરખું;
અન્ય પશુ, પક્ષી ને માનુષ નથી કોય આંહાં સરખું(સું).          ૧

રખે ચતુર તુરી! કહેતો સ્વામીને, જાગશે તો શું થાશે!
નિદ્રાવશથી કેમ ઉઠાડું? પછે શું કહેવાશે?          ૨

હે અશ્વ! તું અતિ અનુપમ, તારું રૂડું વાન,
માગી રે લેઉ હું માનિની: રખે કરતો સ્વામીને સીન!          ૩

તારે રત્નજડિત મુખમોરડો, (જાણે) ઉદયાચળ ઊગ્યો ભાણ;
પંગડાં તારાં પરમ મનોહર, રત્નજડિત્ર પાલાણ.’          ૪

એહવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે જોય:
‘રખે સખી-સહિયર આપણી, પિયારી દેખે કોય!          ૫

નેપુર-ઝાંઝર-અણવટ-વીંછિયા, સોનીએ આભ્રણ ઘડિયાં;
પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીમડિયાં!’          ૬

એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચાં ચઢાવી;
મરમે ભરતી ડગ, જ્યમ જળમાં બગ, એમ શ્યામ સમીપે આવી.          ૭

ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લસે હરિવદની હરખે બેઠી;
‘મુજ શ્વાસ વાગે, સાધુ જાગે,’ તે ચિંતા ચિત્તમાં પેઠી.          ૮

‘રખે કો દેખે, સહિયર મુજ પેખે,’ એમ દૃષ્ટ રાખતેી આડી;
પછે પિછોડી પરી કરીનેજોયું વદન ઉઘાડી.          ૯

નખ-શિખા લગી ચંદ્રહાસને રે જોતી નયણે નીરખી;
હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી.          ૧૦

આકાશે અભ્ર અળગું થયે ચંદ્રબિંબ દીસે જેવું,
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.          ૧૧

સુવદન-અંબુજ ઉપર ભ્રકુટિ, ભમર કરે ગુંજાર;
શકે શશીબિંબ પૂઠે તારા, એવો શોભે મોતીહાર.          ૧૨

શુકચંચા અતિ ઉત્તમ, જાણે અધર બિંબ-અલંકૃત;
શશી-સવિતા શ્રવણે કુંડળ, દાડમકળી શા દંત.          ૧૩

કપોત કંઠ, કર કુંજરના સરખા, હથેળી અંબુજ-વર્ણ;
બાંહ્યે બાજુબંધ બેરખા, મુદ્રિકા આદે આભ્રણ.          ૧૪
વિશાળ રુદે નેહાર હેમનો, કટિ કેસરીના સરખી;
દેખી રૂપ-રંગ-તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી.          ૧૫

‘ધન્ય માત-તાત એનાં દીસે છે, કોણે કીધાં હશે પુણ્ય?
હિમે હાડ ગાળ્યાં, સુખ ટાળ્યાં, તો એહવો હશે તંન.          ૧૬

જયપ-તપ-વ્રત-દેહદમન, એહવી તારુણી ઘર-નાર;
તે નારીનું પરમ ભાગ્ય જેહને આવો હશે ભરથાર!          ૧૭

મેં પાપણીએ પુન્ય ન કીધું, તો ક્યાંથો આવો સ્વામી?’
એમ દુ:ખ ધરતી, આંસુ ભરતી, વિષયા શોકને પામી.          ૧૮

એવે એક કભાયની કસે કાગળ બંધન કીધો,
જોવા કારણ યૌવનાએ તત્ક્ષણ છોડી લીધો.          ૧૯

સરનામું અક્ષર તાતના દેખી શ્યામા મહા સુખ પામી:
‘શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી:          ૨૦

સ્વસ્તિ શ્રીકૌંતલપુર સ્થાને, મદન કુંવર બળવંત!
આંહાં ચંદ્રહાસને મોકલ્યો છે, તે પત્ર લેજો, ગુણવંત.          ૨૧

રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘરસૂત્ર;
મુહૂર્ત ઘટિ કોને ન પૂછશો, એને વિષ દેજોની, પુત્ર!’          ૨૨

વાંચી પત્ર ને વિષયા બોલી: ‘ત્રાહે ત્રાહે, ત્રિભુવનનાથ!
વિષયા સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ.          ૨૩
પત્ર લેઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘન થાય;
અક્ષર એક વધારું એ માંહે, વિષની કરું વિષયા ય.’          ૨૪

એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર,
તરણા વતે લખ્યું તારુણીએ, ધરી ક્દયા મધ્યે ધીર.          ૨૫

નારદ કહે: સાંભળ રે અર્જુન! કર્તા-હર્તા અવિનાશ;
વિષ ફેડી વિષયા કરી, એમ ઉગાર્યો ચંદ્રહાસ.          ૨૬

પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ;
ઊઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ:          ૨૭

‘ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો;
મદનભાઈને મળજો, સ્વામી! પત્ર લખ્યું તે લાવો.’          ૨૮

વલણ
પત્ર લખ્યું તે લાવો સ્વામી!’ એમ કહી વિષ્યા વળી રે;
થરથર ધ્રૂજે ને કાંઈ ન સૂઝે, સખી સર્વ સામી મળી રે.          ૨૯