મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /જિનહર્ષ ઢાલ ૯


ઢાલ ૯

જિનહર્ષ

ઇંઢોણી ચોરી રે એહની.

પૂરણ દિવસ થયા તિસઈ, સુત જાયઉ રે,
પામ્યઉ હરખ અપાર, રાણી સુત જાયઉ રે,
તેજ તપઈ રવિ સારિખઉ, સુત જાયઉ રે,
જાણે દેવકુમાર.                    રા૦          ૧

ધવલ મંગલ ગાયઈ ગોરડી, સુ૦ અવસર કેરી જાણ, રા૦
ભુંગલ ભેરી નેફેરીયાં, સુ૦ વાજઈ ઢોલનીસાણ.          રા૦          ૨

બાંટઈ બ્રાહ્મણ સીરણી, સુ૦ ગુલની ભેલી આંણી, રા૦
રાજાધરિ સુત આવીયઉ, સુ૦ પ્રગટ્યઉ જાણિ નિહાણ.          રા૦          ૩

માઈ હુલરાવઈ પુત્રનઈ, સુ૦ ‘જીવે કોડિ વરીસ,         રા૦
થાજે કુલ આધાર તું’, સુ૦ ઈણિ પરિ દ્યઈ આસીસ.          રા૦          ૪

જિમ જિમ દેખઈ પુત્રનઈ, સુ૦ તિમ તિમ રિદય ઉલાસ,          રા૦
‘મુઝ સરિખી નારી નહી, સુ૦ સુખ લહ્યાં વિલાસ.          રા૦          ૫

સરીરચિં તાયઈં એકાદ, સુ૦ અપર માત સંઘાત,          રા૦
ચાલી દીઠઉ આગલઈં, સુ૦ કૂપ પૂછઈ તે વાત.          રા૦          ૬

‘પહિલી કૂપ હુતઉ નહી, સુ૦ કદી ખણાવ્યઉ એહ, રા૦
કહઈ તામ મલકી કરી, સુ૦ મન ઉપર લઈ નેહ.          રા૦          ૭

‘તુઝ આગમ જાણી કરી, સુ૦ પુત્રી મઈ ઘર મજ્ઝ,          રા૦
કૂપક એહ કરાવીયૌ, સુ૦ પાણી કેરઈ કજ્જ.          રા૦          ૮

પાણી આણ્યઉ જોઈયઈ, સુ૦ દૂર થકી તુઝ કાજ,          રા૦
વિસખેપાદિકનઈ ભયઈ, સુ૦ નૃપ નારી સિરતાજ.’          રા૦          ૯

સરલ ચિત્ત જાણ્યઉ ખરઉ, સુ૦ માતા વચન તહત્તિ, રા૦
જોવઈ નીચી કૂપનઈ, સુ૦ નાંખી તાસ તુરત્ત. રા૦          ૧૦

કૂઆમાં પડતી થકી, સુ૦ સમર્યઉ નાગકુમાર, રા૦
તુરત આવી હાથે ગ્રહી, સુ૦ મૂંકી કૂપ મઝરિ. રા૦          ૧૧

સુર કોપ્યઉ તે ઊપરઈં, સુ૦ ‘મારૂં પાપિણિ એહ’, રા૦
આરામસોભા કહઈ ‘માહરી, સુ૦ મા મા કોપ કરેહ.’ રા૦          ૧૨

સુર પાતાલભુવન કીયઉ, સુ૦ કૂપ માહિ તતકાલ, રા૦
સુંદર સજ્યા પાથરી, સુ૦ તિહાં થાપી સુકમાલ. રા૦          ૧૩

વન પિણિ કેડઈ તેહનઈ, સુ૦ કીધઉ કૂપપ્રવેસ, રા૦
તેહની સુર સેવા કરઈ, સુ૦ પૂર સયલ વિસેસ. રા૦ ૧૪

જેહનઈ પુન્ય પોતઈ હુવઈ, સુ૦ મારી ન સકઈ કોઈ, રા૦
ઢાલ જિનહરખ નવમી થઈ, સુ૦ રાગ વેલાઉલ હોઈ. રા૦          ૧૫

દુહા
રાણી કર જોડી કહઈ, ‘જ્ઞાનઈ કરી મુનિરાય,
તુમ કહ્યઉ તે નિરખીયઉ, સ્વામી તુમ સુપસાય.          ૧

સુણી તુમ્હારી દેસણા, ભાગી મનની ભ્રાંતિ,
જીવ ભમઈ સંસારમઈં, કિહાં ન પામઈ સાંતિ.          ૨

સાંતિસુધારસ મુનિધરમ, જેહથી લહઈ નેરાંતિ,
સિદ્ધ તણા સુખ પામીયઈ, જિહાં ઝલહલતી કાંતિ.          ૩