મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૬

પદ ૬

ત્રિકમસાહેબ

આવી આવી અલખ જગાયો બેની
આવી આવી અલખ જગાયો, બેની! અમારે મોલે,
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...
વાલીડા મારા! સત કેરી સૂઈ ને શબદુંના ધાગા રે હો જી
ખલકો રે ખૂબ બનાયો, બેની! અમારે મોલે,
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...
વાલીડા મારા! પેરણ પીતાંબર ને કેસરીયાં વાઘા રે હો...જી...
કેસર તિલક લગાયો, બેની! અમારે મોલે
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...
વાલીડા મારા! ભમર ગુફામાં જોગીડે, આસન વાળ્યાં રે હો...જી...
ભગતિના ભેદ બતાયા, બેની! અમારે મોલે,
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...
વાલીડા મારા! ઈ રે જોગીડાને, જનમ મરણ ના’વે રે હો...જી...
નહીં રે આયો રે, નહીં જાયો, બેની! અમારે મોલે,
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...
વાલીડા મારા! ત્રિકમદાસ, સત ખીમ કેરે ચરણે રે, હો...જી...
હેતે હરિના ગુણ ગાયો, બેની! અમારે મોલે
ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે હો... જી...