મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૭
પદ ૭
ત્રિકમસાહેબ
તારો રે ભરોસો મું ને ભારી,
તારો રે ભરોસો મું ને ભારી, એવો ગરવો દાતાર,
ગીરનારી રે, ગીરનારી રે...
ઊંચો છે રે ગરવો દાતાર, નીચો છે જમીયલશા દાતાર,
વચમાં ભવેસર ભારી... એવો ગરવો દાતાર ગીરનારી રે, ગીરનારી રે...૦
લીલીયું ને પીળીયું તારી, ધજાયું ફરૂકે દાતાર,
ધોળી રે ધજાની બલીહારી... એવો ગરવો દાતાર ગીરનારી રે, ગીરનારી રે...૦
દેશ પરદેશથી તારી માનતાયું આવે રે દાતાર,
નમણું કરે છે નર ને નારી... એવો ગરવો દાતાર ગીરનારી રે, ગીરનારી રે...૦
અઢારે ય ભારની તારી વનસ્પતિ ઝૂલે રે દાતાર,
ફોયું રે દિયે છે ફૂલવાડી... એવો ગરવો દાતાર ગીરનારી રે, ગીરનારી રે...૦
ત્રિકમદાસ સત ખીમ કેરે ચરણે દાતાર,
ચરણ કમળની બલીહારી, તારાં રે ભજનની લ્હેર લાગી. એવો ગરવો દાતાર ગીરનારી રે, ગીરનારી રે...૦