મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /થોભણદાસ પદ ૧


પદ ૧

થોભણદાસ

રંગભેર રમતાં રાસમાં રે, હાંહાં રે રંગ જામ્યો છે ઢગલે,
કુમકુમની ઢગો પડે રે, હાંહાં રે પાતળીઆને પગલે.

ફર ફર ફરતાં ફુદડી રે, હાંહાં રે પાયે ઘુઘરી ઘમકે,
મેઘ સમો મારો વાલમો રે, હાંહાં રે ગોપી વીજળી ચમકે.

ફર ફર ફરતાં જે ફરે રે, હાંહાં રે તેનો કર સાહી રાખે,
હસીહસીને ચુંબન કરે રે, હાંહાં રે કંઠે બાંહડી નાંખે.

મસ્તક મુગટ સોહામણો રે, હાંહાં રે માંહી મુગતા બીરાજે,
સામાં ઉભાં તે રાધિકા રે, હાંહાં રે તેનુ પ્રતિબિંબ નાચે.

સોળ વરસની સુંદરી રે, હાંહાં રે તેની દૃષ્ટિ આવી;
નારી થોભણના નાથની રે, હાંહાં રે રાધે ચાલી રીસાવી.