મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /થોભણદાસ પદ ૩


પદ ૩

થોભણદાસ

મારો નાથ બન્યા નવજોબના રે, હાં હાં રે પેહેરી પીળી પટોળી;
કમલ વેલીનો કંચવો રે,હાં હાં રે કસી લીધાં છે ભેલી.

વહાલે વેલ ગૂંથી વિવેકશું, હાંહાં રે પૂંઠે ગોફણો લળકે;
વહાલે સેંથો પૂર્યો સિંદૂર રે; હાં હાં રે ચૂવા ચંદન ઝળકે

 વાલે નૈન તેકાજળ સારિયાં રે; હાં હાં રે કાને ઝાલ ઝબૂકી;
વાલે મધ મધ ચોડી ટીલડી રે, નાકે નિરમલ મોતી.

પાયે વીછુવા વાજતા રે,હાંહાં રે હાથે ખણખણ ચૂડી;
સઘળી સૈયરમાં શૌભતા રે,હાં હાં રે એની શોભા છે રૂડી.

લટકો કરીને વલાડણી રે, હાં હાં રે આડે ધામ ઉતરિયાં;
દાસ થોભણ રૂડી રાધિકા રે, હાં હાં રે તેનાં કારજ સરિયાં.