મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૧


પદ ૧

દાસીજીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે–

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે.–

સાંકડી શેરી ત્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસરણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે.–

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પારસમણિ લાધી, માલ મુગતિ લીધો રે.–

આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચરણે, મારો ફેરો ફાવ્યો રે.–
સતગુરુએ મુંને ચોરી શિખવાડી.