મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /દાસીજીવણ પદ ૨


પદ ૨

દાસીજીવણ

પ્રેમકટારી આરંપાર
પ્રેમ કટારી આરંપાર,
નિકસી મેરે નાથકી,
ઔરકી હોય તો ઓખધ કીજે,
આ તો હરિકે હાથકી. –
ચોધારીનો ઘાવ ન સૂઝે, જો જોયેં કોણ જાતકી,
આંખ મીંચી ઉઘાડી જોયું, વાર નો લાગી વાતકી.          –પ્રેમ

સઈ, જોયું મે શામળા સામું, નીરખી કળા નાથકી,
વ્રેહને બાણેં પ્રીત્યેં વીધ્યા, ઘાવેડી બહુ ઘાતકી.          –પ્રેમ

ઓખધ બૂટી પ્રેમની સોઈ, જો પીવે એક પાતકી,
રાતદિવસ રંગમાં ખેલે, રમતું ઈ રઘુનાથકી.          –પ્રેમ

દાસી જીવણ ભીમ પ્રતાપે, મટી ગઈ કુળ જાતકી,
ચિતડાં હર્યાં શામળે વા’લે, ધરણીધરે ધાતકી. –
પ્રેમ કટારી આરંપાર,
નિકસી મેરે નાથકી.