મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૬

પદ ૬

ધીરો

વાડો વાળીને બેઠો રે

વાડો વાળીને બેઠો રે,
પોતાનો પંથ કરવાને,
નવા ખેલ ઉઠાવે રે,
ઉપાય ઉદર ભરવાને.          વાડો

અજાનો વાડો, કૂકડીનો વાડો,
ગાયોનો વાડો, વળી ભેંસોનો વાડો,
અબંધ સવારી બંધમાં ના’વે,
મુંને વાઘનો વાડો દેખાડો;
દિવસ ને દહાડો રે,
અગમ ઠામ ઠરવાને.          વાડો

રામાનંદી ને નીમાનંદી,
વલ્લભ સેજાનંદ સમજાવે,
કબીરપંથી ને તાર જ તુંબી
ભણીભણીને ભુલાવે;
ગુરુ થઈને ગાજે રે,
પારકું ધન હરવાને.          વાડો

પ્રીત કરીને પ્રેત પૂજાવે,
પિત્તળ ને પાષાણ;
વૈશ્યસેવા ને કબર પૂજાવે,
એમાં કોણ કરશે કલ્યાણ?
તીર્થ વ્રત ડોલે રે,
અફળાઈ મરવાને.          વાડો

સિંહરાયથી ડરે સૌ દુનિયા,
સિંહને ડર નહીં કોનો સંબંધ,
સોહમ્ શબ્દ સચ્ચિદાનંદ સ્વામી,
એવો અખંડ આત્મા બ્રહ્મ;
ધીર શૂર વીરા રે,
આત્મધ્યાન ધરવાને.          વાડો