મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ્માવતીની વાર્તા


પદ્માવતીની વાર્તા

સમસ્યા—          નારી બોલી નેહશું, તમે છો ચતુર સુજાણ;
પાંચ "પપા" પ્રિય પુરુષને, તેનાં કરો વખાણ.
ઉત્તર—          પાન પાદ્ય ને પદ્મણી, પરિમળ ને પોશાગ;
પાંચે પ્યારા પુરુષને, વળી પૂછ સદ્ભાગ.
સ—          ધન ધન તારી સૂઝને, ધન ધન રાજકુમાર;
પાંચ "ક" વાલા કામની, એહ હવે ઊચ્ચાર.
ઉ—          કાજળ કંકુ કંચવો, વળી કસુંબો કંત;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
સ—          જાુગતું બોલ્યા જાણીતા, લાગી મનશું રાડ્ય;
પાંચ "કકા" નથી તુજ કને, તે તું કહી દેખાડ્ય.
ઉ—          કુડ કપટ કુલક્ષણો, કુડી જાત કુનારી;
એ પાંચે નથી મુજ કને, સાંભળ રાજકુમારિ.
સ—          કહો છો છૈયે એકલા, તમ સાથે છે સાત;
પ્રગટ દેખું છું તમ કને, તે કહો સાચી વાત.
ઉ—          તીર તરકસ તરવારને, ભાલો ને તોખાર;
ઢાલ અને વળી ચાબકો, સાત સાથી છે સાર.
સ—          જે મધે ગંગા વસે, જટા ધરાવે શીશ;
નેત્ર ત્રણ તે કોહો મુને, નહીં ઉમિયાપતિ ઈશ.
ઉ—          વિશ્વામિત્રે સૃષ્ટિ સજી, કરે રૂડાં તે કામ;
શામા તેં સમશ્યા કહી,‘શ્રીફળ’ તેનું નામ.
સ—          એક નરે નરને ગળ્યો, એ સરવેને શોભાવંત;
અધિપતિ અંગે અડ્યો, કો ચિત વિચારી ચંત.
ઉ—          પગ વિનાનો પરવરે, નર બહુ રાખે નેહ;
ઉજ્જળ અંગે ઓપતો, ‘જામો’ કહીએ તેહ.
સ—          પંખી ઊડે જીવ વિના, બેસે જેની ડાળ;
મૃત્યુ પામડે દેખતાં, કહો મુજને ભૂપાળ.
ઉ—          કુંવર કહે સુણ કામની, સૌ હું સમજ્યો એહ;
સમસ્યામાં સમઝાવિયો, ‘તીર’ કહીને તેહ.
સ—          ઉત્તમ કુળથી ઉપની, તાતતણો જે તાત;
તે સાથે વિવા કર્યો, સમજો સજ્જન વાત.
ઉ—          મહીપતિ કહે સુણ માનિની, ઉત્તર આપું એહ,
એ સમસ્યા હું સમઝિયો, ‘તક્ર’ કહી જે તેહ.
સ—          શિર ઉપર ગંગા વસે, કોટે રૂંઢની માળ;
વૃષભ વાહન કોણ કરે, શિવ વિણ કોણ ભૂપાળ?
ઉ—          એક ભરે એક ઠાલવે, નિત નિત નીરશું નેહ;
દિન દિન ફરતું દાખવે, રેંટ ચક્રનુ જેહ.
સ—          એક નર અક્ષર ત્રણનો, અણીઆળું અતિરૂપ;
દુશ્મન જેથી ગાંજીયે, ઉત્તર આપો ભૂપ.
ઉ—          કાયરને શૂરો કરે, શુરાનો આધાર;
રઢિયાળો રીઝે ઘણું, કામની તેહ ‘કટાર.’
સ—          અણિયાળી અતિ વાંકડી, ભમરાળી ભરપૂર;
નારિ વિના નર જાણિયે, નર નારીનું રૂપ.
ઉ—          મુખનું મંડન પુરુષને, અધિક વહે છે ઊંચ;
માન વધારણ મરદનું, માનુની તે તો ‘મુછ.’
સ—          કો રૂડો કોડામણો, તેજોમય નર કોય;
તાલેવંત પાસે વસે, તેના ઘરમાં હોય.
ઉ—          જે વણખેતી નીપજે, નહીં પાન નહીં ફૂલ,
માનસરોવર માનુની, મોતી મોંઘે મૂલ.
સ—          નામ એક પણ ન બહુ, કામની એક બે કંથ;
આયુષ્ય બેનું સરીખડું, ચતુર વિચારો ચંત.
ઉ—          ઇંદ્ર વાહનથી ઉપજે, નારી દસને વીશ;
બે કર શોભે કામની, પરમેશ્વર પૂજીશ.

ચોપાઈ
એવાં વચન વનિતાએ કહ્યાં, રાજકુમારે લહ્યાં;
પ્રતિ ઉતર એનો આપિયો, સ્રીને મન ભૂપતિ ભાવિયો.