મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૧
પદ ૧
પ્રીતમ
૧. હીંડોળો હીરે જડ્યો
હીંડોળો હીરે જડ્યો: કંચનના ખંભ;
ચોકી રત્નજડાવની: રચિયો આરંભ. –૧
તકીયાગાદી હીરની: ઝૂલે પિયા પ્યારી;
ફરતાં મોતી-જૂમખાં: ડાંડી ચાર સમારી. –૨
ઝગમગ ઝગમગ ભોમકા: ભલી ભાતે ભાસે;
તત્ત્વસાર ત્રિલોકમાં: તેનું તેજ પ્રકાશે. –૩
ફરતી ફૂલી વૃક્ષવેલડી: બહુ મોગરા મહેકે;
કુંજ સદનને બારણે: તેહેવા તોરણ લહેકે, –૪
કુસુમકલી ફૂલી રહી; બહુ મધુકર ગુંજે;
પ્રીતમનો સાંમી શામળો: આનંદના પુંજે –૫