મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૦
પદ ૧૦
બ્રહ્માનંદ
હેલિ જોને આ નંદકુમાર, સલુણો શોભતા;
ચાલે મદઝર ગજનિ ચાલ, રસિક ચિત લોભતા.
પ્યારી લાલ સુરંગી પાઘ, અલોકિ બાંધણિ;
છુટા પેચ ઝુક્યા ચહુકોર, અધિક શોભા બણી.
રૂડિ રાજે છે નલવટ રેખ, મનોહર માવને;
જોતાં કેસર તિલક અનુપ, વધારે ભાવને.
ઉભા અલવ કરે અલબેલ, સખાના સંગમે;
ખેલે બ્રહ્માનંદનો નાથ, રાજેસર રંગમે.