મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૬
પદ ૧૬
બ્રહ્માનંદ
ગઈતી ગઈતી ભરવાને નીર, સૈયરના સંગમાં રે લોલ;
રમતા દીઠા શ્યામ સુજાણ, રંગીલો રંગમાં રે લોલ. ૧
જોયું રસિયાજીનું રૂપ, અલૌકિક આજનું રે લોલ;
જાણે શરદ પૂનમનો ચંદ, વદન ધર્મરાજનું રે લોલ. ૨
સનમુખ આવે ગજગતિ ચાલ, કે અંગ મરોડતા રે લોલ;
રસિયો નેણું સાથે નેણ, કે જોરે જોડતા રે લોલ. ૩
નાખી બ્રહ્માનંદનો નાથ, અચાનક આંખડી રે લોલ;
મારા ચિત્તમાં લાગી ચોટ, કે ઘાયલ થઈ પડી રે લોલ. ૪