મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૮

પદ ૧૮

એવી અંતર આંટી પાડી રે સુણ બહેની
ઉખડે નહિં કોયની ઉખાડી રે સુણ બહેની ૧

જેમ ચાતક આંટી રાખે રે,
વિના સ્વાતિ નીર નવ ચાખે રે.          સુણ૦ ૨
જેમ કેસરી ઘાસ નવ ખાય રે,
સો લાંઘણ કરી મરી જાય રે.          સુણ૦ ૩
એમ નિશ્ચે વિઠ્ઠલને વરવું રે,
નહીં તો સાવ કુંવારા મરવું રે.          સુણ૦ ૪
બીજા પુરુષ સામું નવ જોવું રે,
ચિત્ત પાતળિયામાં પ્રોવું રે.          સુણ૦ ૫

બ્રહ્માનંદ કહે પહેલે વિચારી રે,
પછે વાત કાઢી મેં બારી રે.          સુણ૦ ૬