મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૬

પદ ૬

બ્રહ્માનંદ

જોને જોેને સખી એનું રૂપ

જોને જોને સખી એનું રૂપ, મનોહર રાજે રે,
મુખ લાવણ્યતા જોઈ કામ, કે કોટિક લાજે રે,

જોને ફૂલડાનો તારો શીષ, સુંદર શોભે રે,
જોઈ લાલ સુરંગી પાઘ, મનડું લોભે રે.

વ્હાલો નેણે જણાવે છે નેહ, કે હેતે હેરે રે,
મુને ન્યાલ કરી નંદલાલ, આજુને ફેરે રે.

પેરી શોભીતા શણગાર, રૂડા લાગે રમતા રે,
વ્હાલો વ્રજનારીને ચિત, ગિરધર ગમતા રે.

મારાં લોચનિયાં લોભાય, નટવર નીરખી રે,
હું તો મગન થઈ મનમાંય, દીવાની સરખી રે.

ઊભા ગીત મધુરાં ગાય, ગોપીજન સંગે રે,
વ્હાલો બ્રહ્માનંદનો નાથ, રમે રસ સંગે રે.