મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૭

પદ ૭

બ્રહ્માનંદ

તારી આંખલડી

તારી આંખલડી અલબેલ, અતિ અણિયાળી રે,
હું તો ગરક થઈ ગુલતાન, કે ભૂધર ભાળી રે.
માથે લાલ કસુંબી પાઘ, કે તોરે લટકે રે,
છબી જોઈને સુંદર શામ, કે મન મારું અટકે રે,

રૂડી કેસર કેરી આડ, કે લાલ બિરાજે રે,
જોઈ મુખની શોભા માવ, પૂરણ શશી લાજે રે.

શોભે ઘુઘરડીનો ઘેર, કેડે કંદોરો રે,
ગળે મોતીડાંની માળ, કે ચિતડું ચોરે રે.

શોભે સુથણલી સોરંગ, રૂપાળો રેંટો રે,
વ્હાલા પ્રેરીને પ્રાણ આધાર, ભાવેસું ભેટો રે.

વ્હાલા બ્રહ્માનંદના નાથ, આવી સુખ આપો રે,
મન મ્હેર કરી મોરાર, પોતાની થાયો રે.