મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૨


માસ ૨ - વૈશાખ

ઉદયરત્ન

દુહા
વૈશાખે વનરાજિ રે તાજી વિકસી વન;
દેખીને દિલ ઉલસિ મીલવા સાંમલવન.          ૧

મોર્યા દ્રાખના માંડવા, ટોડે નાગરવેલ;
ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા, ફૂલી રહી ચંપેલ.          ૨

મોગરો મરુઓ મનોહર, જાઈ જૂઈ જાસુલ,
કેતકી કરણી કેવડી, મચકુંદનો નહિ મૂલ.          ૩

ઝગઝગ અંબ લુંબી રહ્યા, કેસુ ફૂલ્યાં વંન;
ફૂલ્યા ગુલાબ તે દેખીને જાગે જોરમદંન.          ૪

વેલિ વાલો નારંગી રે, બહુરંગી વસંત;
વેરણ કોઈલવયણે રે નયણે નીર ઝરંત.          ૫

પરિમલ પુહવી ન માઈ રે, ભમર કરિ ગુંજાર;
કહોને સખી! કિમ વિસરિ આ સમ નેમકુમાર?          ૬

સરોવર સુંદર દીસિ રે, ફૂલ્યા કમલના છોડ;
કંત વિના કુંણ પૂરે રે મુઝ મન કેરા કોડ?          ૭

સાહેલડી રંગરાતી રે માતી રમિ પીઉસંગ;
અનંગના રંગતરંગની વિરહે દાઝે મુઝ અંગ.          ૮
ફાગ
રતિપતિ આપલીલા પ્રકાસી, વિરહણી વિરહને પુર વાસી;
મદછલી માનિની અંગ મોડે, ત્રટત્રટ કંચુકીબંધ ત્રોડે.          ૯