મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૫


પદ ૫

મૂળદાસ

સુંદર વરની ચૂંદડી

સુંદર વરની ચૂંદડી
માંઈ છે આતમરામનો આંક
વોરો સંતો ચૂંદડી!
તપતીરથ મેં બહુ કર્યાં વ્રત કર્યાં રે અપા,
ભગવત ભવાની બહુ ભજ્યાં, મારે હરિવર વરવાની આશ.
-વોરો રામા ચૂંદડી.
બ્રહ્માએ વણ વાવિયાં ને વીણે ચારે વેદ.
સનકાદિકે સૂતર કાંતિયાં, તેને કોઈ ન જાણે ભેદ          –વોરો રે

ત્રિગુણ તાણ્યો તાંતણો ને, માંઈ પ્રેમનો રસ પાણ,
નૂરત સૂરત નળી ચાલતી રે, વણનારા ચતુર સુજાણ          –વોરો રે

વિદુર વ્યાસે રંગી ચુંદડી ને શુકદેવે પાડી ભાત,
સદ્બુદ્ધિએ બુટા જડ્યા ને એની જુજવી જૂજવી ભાત          –વોરો રે

ગુરુએ ઓઢાડી મને ઘાટડી રે, ઉપર શ્રીફળ સુંદર ચાર;
નિર્ગુણ સાથે સગાઈ કરી મારા પુણ્યનો નહિ પાર          –વોરો રે

વિવેકના તો વીવા રચ્યા ને લીધાં વૈરાગ્યનાં રે લગન,
પ્રભુજી વર પધારિયા રે મારું મોહે ભરણું છે મન          –વોરો રે

મન ક્રમ વચને આબરૂ નેમેં મેલી લોકડિયાંની લાજ,
હથેવાળો હરિ સું ગ્રહ્યો ને માંઈ છે વાણી તણી વરમાળ          –વોરો રે

રાતો રંગ રહેણી તણો રે એનો પુરણ લાગ્યો પાસ,
અનંત જુગે નહિ ઊમટે રે વાણી ગાય છે મૂળદાસ;
વોરો રે રામા! ચૂંદડી.