મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૧


પદ ૧

યશોવિજય

શ્રી નેમિનાથ જિન સ્તવન
તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ, મેરે વાલમા;
નવભવનેહ નિવારિયો રે હાં,
શ્યો જોઈ આવ્યા જોષ? મેરે વાલમા          ૧
ચંદ્ર કલંકી જેહથી રે હાં,
રામ ને સીતા વિયોગ, મેરે વાલમા;
તેહ કુરંગને વયણડે રે હાં,
પતિઆવે કુણ લોગ? મેરે વાલમા.          ૨
ઉતારી હું ચિત્તથી રે હાં,
મુગતિ ધુતારી હેત, મેરે વાલમા;
સિદ્ધ અનંતે ભોગવી રેહાં,
તેહ શ્યું કવણ સંકેત? મેરે વાલમા.          ૩
પ્રીત કરંતા સાહેલી રે હાં,
નિરવહતાં જંજાલ, મેરે વાલમા;
જેહવો વ્યાલ ખેલાવવો રે હાં,
જેહવી અગનની ઝાળ, મેરે વાલમા.          ૪
જો વિવાહ-અવસર દીઓ રે હાં,
હાથ ઉપર નહીં હાથ, મેરે વાલમા;
દીક્ષા અવસર દીજીએ રે હાં,
શિર ઉપર જગનાથ, મેરે વાલમા.          ૫
ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં,
નેમિ કને વ્રત લીધ, મેરે વાલમા;
વાચક યશ કહે પ્રણમીએ રે હાં,
એ દંપતી દોય સિદ્ધ, મેરે વાલમા.          ૬