મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧૫


કડવું ૧૫

પ્રેમાનંદ

રાગ સારંગ
રાવણનું દાધ્યું અંત:કરણ, તે જોઈ આવ્યો કુંભકરણ;
જ્યમ રાહુ તારા મધ્યે જાય, ત્યમ કુંભકરણ ગયો કપિ માંહ્ય.          ૫૦

ભયાનક ભાસે તે વિકરાળ, શું અઢાર પદ્મનો આવ્યો કાળ!
સેં પાંચ કપિ લે કર માંહ્ય, કુંભકરણ મૂકે મુખ માંહ્ય.          ૫૧

કચરડે મચરડે ભચરડે શૂર, શતસહસ્ર વાનર કીધા ચૂર.
તાડે પછાડે ઉડાડે ગ્રહી, હાથ ચઢે તે છૂટે નહીં.          ૫૨

રુએ વાનરા પાડે રીર, કાઢી કાળજ પીએ રુધિર.
કોને કક્ષાપુટમાં ગ્રહી રાખે, કોને સમુદ્રમાં ઉછાળી નાખે.          ૫૩

કોઈને માર્યા ચરણે કરી, વાનર સૈન્ય નાખ્યું નિર્દળી.
માર્યા વાનર-મર્કટ-રીંછ, પડ્યા-ઊગર્યાની ન પડે પ્રીછ.          ૫૪

વાનરની કાઢે નસ-જાળ, ગળે ઘાલે આંતરડાંની માળ,
ચૂસે કંઠ ને ઘૂંટડા ભરે, મુખે રુઘિરના રેલા ઊતરે.          ૫૫

એમ સેનાનો વાળ્યો દાટ, જોઈ રામચંદ્રને થયો ઉચાટ.
દૃષ્ટ ઓળખી રાઘવ તણી, સુગ્રીવ ધાયો રાક્ષસ ભણી.          ૫૬

ત્યારે કુંભકર્ણ અકળાયો ઘણું, બળ વાધ્યું રાય સુગ્રીવ તણું.
માર્યા સારથિ મહા પ્રચંડ, પાડ્યું છત્ર, ભાંજ્યો ધ્વજદંડ          ૫૭

કુંભકર્ણને કીધો વિરથ, જય પામ્યો સુગ્રીવ સમરથ.
કપિદળમાં થયો જેજેકાર, તવ કુંભકર્ણ કોપ્યો નિરધાર.          ૫૮

ધાયો રાક્ષસ પાળે પાય, સહસ્ર કપિ મૂક્યા મુખ માંહ્ય;
પેટમાં વાનર ફેરા ફરે, ઊછળે, કૂદે, હોંદારા કરે.          ૫૯
શાખામૃગને પીડા હોય, નવ પામે નીસરવા કોય.
કપિનું દુ:ખ જાણ્યું હનુમાન, પાપીને હાથ ચડ્યો બળવાન.          ૬૦

ગાજ્યો કુંભકરણ રાજન, મુખ માંહે મૂક્યા હનુમાન.
ગ્રસ્યો દેખી પવનકુમાર થયો સેનામાં હાહાકાર.          ૬૧

રાક્ષસ-સાથ ગાજીને હસ્યો: ‘ભાઈ! વાડીવાળો રાયે ગ્રસ્યો!’
વાલ્મીકજી વાણી ઊચરે, હનુમાનવીર શું પ્રાક્રમ કરે:          ૬૨

કુંભકર્ણની કૂખ મોઝાર, આવી પડિયો પવનકુમાર.
માંહોમાંહ્ય વાનર અફળાય, નામઠામ પૂછે કપિરાય.          ૬૩

ઝંખજાળ આંતરડાં તણી વીંટાય વાનરને પાયે ઘણી.
દુર્ગંધ વાસના મોટું પેટ, શેવાળભર્યો શું સાગર બેટ!          ૬૪

બીજા કપિને ગળતો જાય, ઉદરમાં ભીડ ઘણેરી થાય.
ટાળવા સહુ કપિવરનું દુ:ખ, નખે હનુમાને ફાડી કૂખ.          ૬૫

ઉદર માંહે અજવાળું થયું, નદીની પેરે શોણિત વહ્યું.
મોટા ઘરને જ્યમ બારી-છજું, પાપી કૂખે ત્યમ છિદ્ર જ ભજ્યું.          ૬૬

વાનર તે વાટે નીસરી જાય, નથી જાણતો તે રાક્ષસરાય.
અંતે નીસર્યો પવનકુમાર, થયો વાનરમાં જેજેકાર.          ૬૭

કુંભકરણ ધાયો રણ માંહ્ય, સાહ્યો સુગ્રીવ લડતાં ત્યાંય.
જ્યમ કુંજર ચાલે ગ્રહી કેસરી, ત્યમ રાક્ષસ ચાલ્યો બળ કરી.          ૬૮

વાનરસેના સહુ પૂંઠે થઈ, પડે પ્રહાર પણ મૂકે નહિ.
પછે લઘુલાઘવી વિદ્યા કરી સુગ્રીવ ઉદરથી નાઠો નીસરી.          ૬૯

બેઠો મસ્તક પર દેઈ હાક, કુંભકરણનું કરડ્યું નાક.
કરે કરી ચૂંટ્યા બેહુ કાન, નાઠો વાનરપતિ બળવાન.          ૭૦

કુંભકરણ કરૂપો કર્યો, લજ્જા પામી પાછો ફર્યો.
રુધિરધારા ખળકે અતિ, જાણે ધાતુઝરતો ગિરિપતિ.          ૭૧

ઘણા કપિ મૂક્યા મુખ માંહ્ય, નાક-કાનેથિ તે નીસરી જાય.
દશ લાખ કપિ કીધા નિપાત, પછે સન્મુખ આવ્યા શ્રીરઘુનાથ.          ૭૨

ઘણું જુદ્ધ કીધું નરહરિ, પદબંધ કરું સંક્ષેપે કરી.
કુંભકરર્ણનો જોઈ અહમેવ રામને ગુપ્ત સ્તવે સહુ દેવ.          ૭૩

પ્રલય-રૂપ કીધું રઘુનાથ, કુંભકર્ણના છેદ્યા હાથ.
પાટુ મારવા ધાયો રાય, રામે તવ છેદ્યા તેના પાપ.          ૭૪

મસ્તક છેદ્યુું મેલી બાણ, રાક્ષસ દળમાં પડ્યું ભંગાણ.
મસ્તક પડતાં કંપી ધરા, લંકાકોટના પડ્યા કાંગરા.           ૭૫

કંપન-અતિકંપન બળવંત, હનુમાને બેઉનો આણ્યો અંત.
લક્ષ્મણે માર્યો તાંહાં અતિકાય, માર્યો મહોદર મંત્રીરાય.          ૭૬


વલણ
માર્યો મહોદર મંત્રીને, તાંહાં રાવણ થયો વ્યગ્રચિત્ત રે;
ભટ પ્રેમાનંદ કહે કથા: હવે જુદ્ધે ચડ્યો ઇન્દ્રજિત રે.           ૭૭