મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૨૫


કડવું ૨૫

પ્રેમાનંદ

રાગ સામેરી
એ અષ્ટ જોગે રિષ્ટ ઊપન્યું, સૃષ્ટિનું જાશે કષ્ટ રે;
શ્રીરામચંદ્રે રાવણ હણવા કીધી ક્રોધની દૃષ્ટ રે.          ૨૦
જદ્યપિ જુદ્ધ દારુણ કીધું રાવણે બળ-પ્રાણ રે,
બલ-શક્તિ-વિદ્યા નાશ પામ્યાં ને ભેદ્યાં મર્મે બાણ રે.          ૨૧

અંતકાળ જાણી આપણો ચિત્ત માંહે ચેત્યો ભૂપ રે;
વીસ લોચન અવલોકે રામને, હૃદયે આણ્યું રૂપ રે.          ૨૨

તવ સર્વના હિત કારણે કોપે ચડ્યા જગદીશ રે,
એક બાણ મૂક્યું કંઠ માંહે, તાંહાં ત્રણ છેદાયાં શીશ રે.          ૨૩

બીજે બાણે ખટ શીશ છેદિયાં, તવ રહ્યું મસ્તક એક રે;
નવ મસ્તક ઊડી ગયાં, તોયે ના મૂકે ટેક રે.          ૨૪

જ્યમ ડોલે મદગળ એકદંતો, ત્યમ એક શીશે ધીશ રે;
શું એક શૃંગે ગિરિ ધાતુ ઝરે? સ્રવે રુધિર, ગળે ત્યાં રીસ રે.          ૨૫

અમરવર્ગ કુસુમે વધાવે, હવો જેજેકાર રે,
એક હસ્ત અવની ઊંચી આવી, ટળ્યો ભૂમિનો ભાર રે.          ૨૬

નારદ, શારદ, નિગમ ને ઋષિ રામના ગુણ ગાય રે;
અપછરા, કિન્નર, યક્ષ, વિદ્યાધર નાચે, વીણા વાય રે.          ૨૭

હરખ્યા ગુણ-ગાંધર્વ સરવે, ઇંદ્ર-ચંદ્ર-સવિતા-નક્ષત્ર રે;
મેઘશ્યામ રામપ્રતાપથી હવું સુખ તે સર્વત્ર રે.          ૨૮

એક મસ્તકે ઊભો રાવણ, કરી સુંપટ વીસે હાથ રે;
અંતકાળે સ્તવન કીધું, ઓળખ્યા શ્રીરઘુનાથ રે.          ૨૯

હૃદેકમળમાં ધ્યાન ધરિયું, નખશીખ નીરખ્યા રામ રે;
‘મુને આવાગમનથી છોડાવો, હરિ! આપો વૈકુંઠધામ રે.’          ૩૦

એવું સ્મરણ જાણી દાસનું રીઝ્યા શ્રીજગદીશ રે,
પછે અગસ્ત્યઋષિનું બાણ મૂકી છેદિયું દશમું શીશ રે.          ૩૧

જ્યમ ગ્રહ સંગાથે પડે સવિતા, મૂળ તકો મેર રે,
તે રીતે પડ્યો લંકાપતિ, શબ્દ થયો ચોફેર રે.          ૩૨