મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૩


પદ ૩

રવિસાહેબ

દલ-દરિયામાં અખંડ દીવો
દલ-દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે;
ભ્રાંતિના ભરિયા ભવોભવ ભૂલા, સતગુરુ વિના તાળાં કોણ ખૂલે?

ગગનગુફામાં ગુપ્ત ગેબી, બાર બાવન ઉપર બોલે;
નૂર તખ્ત પર નામ નિરંજન, નુરતિને સુરતિ કોઈ સંત ખોલે.          દલ

આ કાયામાં રતન અમૂલખ, વસ્તુ ભરેલ માંહે વણતોલે;
સોહં શબદકા કરી લે ગુંજારા, પરમ સતગુરુમાંહે બોલે.          દલ

પ્રીત જેની હશે પૂરવ જનમની, ખુવા ધરમ અનાથ જોલે,
છેલ્લી સંધિના ચેતો મારા ભાઈ, ફળ આવ્યાં જ્યમ વૃક્ષવેલે.          દલ

પટા લખાવ્યા ધણી હજુરના, અબ તોરે જીવ કેમ બીવે;
કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે, અજર પ્યાલા કોઈ સંત પીવે.          દલ