મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૮


પદ ૮

રવિસાહેબ

તે હરિ મુજમાંહી મલ્યા
કહો ઓધવજી શું કરે શ્રી કૃષ્ણ કુબજા, વાલાજીને વશ કર્યા
અમે આહીરડાં એકલા ગોકુળ માંય, નીરગુણ નઠોર થઈને રહ્યા રે          ||૧||

હમે ભરવાડાં રંક હમારી જાત, આશા ભર્યા આંસુડા ખેરીયે
શુધ વીના શ્યામા સરવે રહી અકલાય, શોધતી ફરૂ હરીને શેરીએ રે          ||૨||

એણે અમોને રંગ રમાડ્યાં રાસ, વીહાર કીધો હરી આ વનમાંજી
છેલી વેળાનો કરી ગયો નીરાશ, વ્રેહની બળતરાં ઊઠી તન માંહે રે          ||૩||

એણે અમોને સુખ આપ્યા અપાર, મહારંગ થઈ રેતો આ રાનમે રે
પોતે વાતા મધુરી મધુરી વેણ, સહુ વ્રજ નારી ગાતાં ગાનમેં રે          ||૪||

વ્રેહની વેધી બોલે મધુરા બોલ, ઓધવ સાંભલીને થયા ગળગળા રે
ભાણ પ્રતાપે મગન થયા રવીદાસ, તે હરી મુજમાંહી મલ્યા હે રે          ||૫||