મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રવિસાહેબ પદ ૯


પદ ૯

રવિસાહેબ

મુંને સતગુરુએ શબદ સુણાવિયો
સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે,
મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે.

સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ જોયા સરખા રે,
સખી, નેણે નીરખ્યા મારા નાથને, મારી મટી ગઈ અંતર તરસા રે.

સખી, શું રે કરું હવે સાધના, મારી સુરતામાં હરિ સંધાણા રે,
સખી, જ્યારે જોઉં ત્યારે દીસે પાસમાં, મારે વચને વાલોજી બંધાણા રે.

સખી, જોગ બન્યો જુગદીશનો, હરિ અબળાને મોલે આવ્યા રે,
સખી, બોધ કરીને બળ દાખવે, એ તો ફાલ્યાં ફૂલ કરમાવાં રે.

સખી, ઊંચું જોઉં તો આકાશમાં, હું હેરું તો હરિ હેઠા રે,
સૂઈને જોઉં તો ઝલકે સેજમાં, બેસું તો તખત પર બેઠા રે.

સખી, પરણી પિયુજીને પ્રીછવે, કુંવારી કંથમાં શું જાણે રે,
કુંવારી, રમે ઢીંગલે પોતિયે, એ તો મેરમને શું માણે રે.

સખી, પરણ્યા પિયુજીની પ્રીતડી, મૈયરિયે નવ કહીએ રે,
સખી પોતે જણાવે પ્રીતડી, એનાં લોચનિયાંમાં લહીએ રે.

સખી, પિયુ મળ્યાનાં પારખાં, એની કાયા કહી બતલાવે રે,
સખી, અરસપરસ અંગે હુઈ રહ્યાં, તેને ખલકમાં કોણ ખાળે રે?

સખી, ગાંડી ઘર ચલાવે નહીં, એ તો પીયરિયે જઈ શું માલે રે,
સખી, ચિત્ત રે ચડ્યું એનું ચાકડે, એ તો ઠગનીને શું ઠારે રે.

સખી, મેલી મરજાદા જે મળ્યા, એની છત નહીં રે’વે છાની રે,
સખી, ભાણ પ્રતાપે રવિ બોલિયા, હું તો મેરમને મન માની રે.