મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વણઝારાને નિવૃત્તિનો બોધ


વણઝારાને નિવૃત્તિનો બોધ

પ્રેમાનંદ

(૭) વણઝારાને નિવૃત્તિનો બોધ
નાયક કહે, ‘સુણ સુંદરી વણઝારી રે;
મેં નહિ માની તારી શીખ, સતી સુખકારી રે.
વ્હાલી થઈ પ્રવૃત્તિ પાપણી, વણ, ભૂંડી રાંડે મગાવી ભીખ,          સતી

દુ:ખ વેળા નાશી ગઈ, વણ, મને પાણી કોઈ નવ પાય,          સતી

મુકાવ મુજને સુંદરી, વણ હું રહીશ તારી આજ્ઞાય.’           સતી

નિવૃત્તિ કહે: ‘પિયુ સાંભળો, વણઝારા રે;
ઘણા ડાહ્યા છો ભરથાર, સ્વામીજી મારા રે.

ઘણે ઠામથી મુકાવિયા, વણ લેખે લાખ ચોરાશી વાર,          સ્વામીજી

ધર્મ કને તેડી ગઈ, વણ ત્યાં કીધો કોલકરાર,          સ્વામીજી

ધર્મ લેણું કરી લાવજો વણ, જઈ રૂડો કરજો વેપાર.          સ્વામીજી

ફરી સંસારમાં અવતર્યો, વણઝારા રે,
મળ્યા સદ્ગુરુ એક દલાલ, સમજ મન મારા રે.
રામનામ-વસાણું વોહોરિયું, વણ લાભ આવ્યો વસ્તુ રસાળ,          સમજ

વિવેક વાણોતર થયા, વણ તત્ત્વવિચાર ત્રાજવાં સાથ,          સમજ

ધર્મ કર્મ બેઉ કાટલાં, વણ ક્ષમા-દાંડી ઝાલી હાથ.          સમજ

નાયક વહોરે વસ્તુને, વણ જે જે નિવૃત્તિ કહેતી જાય,          સમજ

નિર્ગુણ ગોળ લીધો ઘણો વણ, ગુણ સત્ય મરમ કહેવાય.          સમજ

સદ્વિદ્યા સાકર વહોરે ઘણી, વણ, વહોર્યાં જાયફળ જોગાભ્યાસ,          સમજ

શ્રીફળ નામ શ્રીરામનું વણ, મળ્યા ગાંધી હરિના દાસ.          સમજ

બ્રહ્મવિદ્યા ખાંડ વહોરી, વણ, શુભ લક્ષણ વહોર્યાં લવિંગ,          સમજ

ચતુરાઈ’ ચંદન વહોરિયું, વણ, વહોર્યો કરુણા કેસર રંગ.          સમજ

જ્ઞાનઘૃત કૂપે ભર્યું વણ, સિદ્ધાતા તે દધિ નિર્દોષ,          સમજ

પ્રીત પટોળી વહોરી ઘણી, વણ, લીધા સાળુ શીલ-સંતોષ.          સમજ

વિશ્રામ પીતાંબર વહોરિયાં, વણ વહોરી દયા દધી દિરયાઈ,          સમજ

લખતો જાય ચિત્ત ચોપડે વણ, લેખણ સુધિબુધિ રૂશનાઈ.          સમજ

નવદ્યાભક્તિ મણિ વહોરિયા. વણ, વળી મુક્તિ મુક્તામાળ,          સમજ

શ્રીહરિ-હીરો હાથે ચઢ્યો, વણ, થયું ઘરમાં ઝાકઝમાળ,          સમજ

સદ્ગુણે ગૂણ્ય શીવી ભરી, વણ, કરે વસ્તુનું દેવ વખાણ,          સમજ

મોહ મેહેવાસી મારીયો, વણ, હવે કોય ન માગે દાણ.          સમજ

નાદ-બિંદુ બેઉ બળદિયા, વણ, વાજે નગારૂં ઓંકાર,          સમજ

જ્ઞાનઘોડે નાયક ચઢ્યો, વણ, જીતી ચાલ્યો સર્વ સંસાર.          સમજ

જમરાયને લેખું આપિયું, વણ, ચિત્ર વિચિત્રે જોડ્યા હાથ,          સમજ

સનમાન આસન આપિયું, વણ, ચિત્ર વિચિત્રે જોડ્યા હાથ,          સમજ

ન્યાલ થયો શુભ માલમાં, વણ, ગયો મૂળ પોતાને ગામ,          સમજ

ફરી ભવમાં ભટક્યો નહિ, વણ, થયો શુદ્ધ તે આત્મારામ.          સમજ

પ્રવૃત્તિને જે કોઈ પરહરે, વણ, કરે નિવૃત્તિ અંગીકાર,          સમજ

એ મુક્તિ-ફળ પામે સહી, વણ નવ દેખે દુ:ખ લગાર,          સમજ

ગુજરાત દેશ સોહામણો, વણ, વીરક્ષેત્ર વડોદરું ગામ,          સમજ

વિપ્ર ચતુર્વંશી નાતમાં, વણ, કૃષ્ણપુત્ર પ્રેમાનંદ દાસ,          સમજ

વિવેક-વણઝારો તે આતમા, વણ, આ છે અધ્યાત્મનો ઉપદેશ,          સમજ

‘વણઝારો’ ગાય ને સાંભળે વણ, ટળે જન્મ-મરણનો ક્લેશ,          સમજ

જે કોઈ પ્રભુને અનુભવે, વણ, થાય મનવાંચ્છિત ફળ કામ.          સમજ

શ્રોતા સજ્જન સાંભળી, વણ તમે સમરો સર્વ શ્રી રામ,          સમજ