મનીષા જોષીની કવિતા/કવિની સંપત્તિ

કવિની સંપત્તિ

મારી પાછળ મૂકી જવા માટે
નથી મારી પાસે
કોઈ પુત્રના ચહેરાની રેખાઓ
કે નથી કોઈ પ્રેમીએ લખેલું અમ૨કાવ્ય.

આ દેશ પણ ક્યાં હતો મારો?
હું બોલતી રહી એક દેશની ભાષા
કોઈ એક બીજા દેશમાં
ને પ્રવાસ કરતી રહી
કોઈ એક ત્રીજા દેશમાં.

મારા ઘરની બહાર ઊગેલા
ઘાસની નીચે વસતાં જીવડાં
ચૂસતાં રહ્યાં મારી સ્મૃતિની ભાષાને
જાણે આરોગી રહ્યા હોય
આ લીલા ઘાસની નીચે સૂતેલા
મારા જન્મના દેશના મૃતદેહને
અને હું લખતી રહી કવિતાઓ
સ્મૃતિ વિનાના, સફેદ થઈ ગયેલા શરીરની.

આ હરિત ઘાસ જેવું
જો કોઈ સ્વપ્ન હોત મારી પાસે
તો મેં જગાડ્યો હોત
આ સૂતેલા દેશને
ઘરનાં તમામ બારી-બારણાં ખોલી નાખીને
મેં પ્રવેશવા દીધો હોત એ દેશને, ઘરની ભીતર
પણ મારી પાસે નથી હવે કોઈ સ્વપ્ન પણ
પાછળ મૂકી જવા માટે.

મારી સંપત્તિમાં હું મૂકી જઈશ
માત્ર મારું ન હોવું
જે જીવ્યું સતત મારી સાથે
પ્રેમીઓના ચુંબન વખતે
કવિતાઓના પ્રકાશન વખતે
પ્રિયજનોના અવસાન વખતે.

જ્યાં જન્મ થયો એ કચ્છના
એક નાનકડા ગામની નદીના કિનારે
શિયાળાની ટૂંકી સાંજે
ભડકે બળતી કોઈ ચિતાના પ્રકાશમાં
આંસુ સારી રહેલાં તીડ
અને ત્યાં રમી રહેલાં દેડકાંનાં બચ્ચાં જેવું
મારું ન હોવું
એ જ મારી સંપત્તિ
જે સોંપી જઈશ તને હું.