મનીષા જોષીની કવિતા/ઠાકોરજીના વાઘા

ઠાકોરજીના વાઘા

કોઈ યુવાન પરિણીતા આવે છે એની પાસે
કટોરીવાળું બ્લાઉઝ સીવડાવવા
તો કોઈ સગર્ભા સ્ત્રી આવે છે
ખોળો ભરવાના પ્રસંગે મળેલી
તેની નવી સાડીમાં ફોલ નખાવવા.
કોઈ ડિપ્રેશનથી પિડાતી, જાડી થઈ રહેલી ગૃહિણી પણ આવે છે
તેના તંગ થઈ રહેલા કુરતાની સિલાઈ ખોલાવવા.
હાઈસ્કૂલમાં ભણતો કોઈ છોકરો આવે છે
યુનિફૉર્મ સીવડાવવા માટે
તો કોઈ મધ્યમવર્ગીય પુરુષ આવે છે
તેના ઑફિસમાં પહેરવાના શર્ટને રફુ કરાવવા.

એ દરજી સીવે છે કપડાં તમામ પ્રકારનાં
અસ્તરવાળાં ને અસ્તર વગરનાં,
ગોઠવાતી રહે છે કપડાંની થપ્પીઓ એની દુકાનમાં
સિલ્કની અલગ અને સૂતરાઉની અલગ
ને રંગબેરંગી દોરા તો આવે તેવા વપરાઈ જાય.
પુરાતું રહે છે તેલ એના સંચામાં સવાર-સાંજ
અને સંચા કરતાયે ઝડપથી, ફરતી રહે છે એની આંગળીઓ.
એક નજરે માપી લે છે એ સૌને
છતાંયે ડોળ કરે છે માપ લેવાનો.
ઘણીવા૨ માપનું જૂનું બ્લાઉઝ હોય છતાંયે
ગ્રાહક મહિલા જ આગ્રહ કરે, ‘માપ લઈ જ લોને.’
અને એમ વધતી રહે એની શાખ.

કમી નથી કામની એ દરજી પાસે.
દુકાનોના ગાદી-તકિયા તો બારેમાસ અને
નવરાત્રિ ને લગનગાળામાં તો વેઇટિંંગ ટાઇમ.
સીવાતા રહે છે વસ્ત્રો રાતભર, નિર્વસ્ત્ર શરીરો માટે.
સવાર પડ્યે, એ દુકાનમાં કચરો વાળે ત્યારે
જાતજાતનાં વધેલાં કપડાંના
નાના નાના, રંગબેરંગી ટૂકડા આવે એના હાથમાં
અને કોઈ ભિખારણ બાઈ લઈ જાય
એ વધેલા કપડાંના ટુકડા, હોંશે હોંશે
એના નાનકડા દીકરા માટે ગોદડી બનાવવા.

આ દરજીની દુકાનમાં ઠલવાતું રહે છે કપડું દિવસરાત.
કોઈ આવે છે દીકરીની ઢીંગલી માટે ફ્રૉક સીવડાવવા
તો કોઈ આવે છે ઠાકોરજીના વાઘા સીવડાવવા.
ને એણે સીવેલાં કપડાં
જીવતાં રહે છે, અવનવા જીવન
નવાં હોય ત્યારે અને જૂનાં થાય ત્યારે પણ.
વાઘા બદલતા રહે છે ઠાકોરજી
નિતનવાં દર્શન માટે.