મનીષા જોષીની કવિતા/દેવદૂત

દેવદૂત

તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં,
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા.
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત?
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું.
પણ તમે આવજો.
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને,
મારા ઘરનો.