મનીષા જોષીની કવિતા/પૂર્વજ

પૂર્વજ

થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં
એના કોઈ પૂર્વજનો ફોટો જોયો.
અને ત્યારથી મને એવું જ લાગ્યા કરે છે કે એ
મારા પણ પૂર્વજ હોઈ શકે.
પૂર્વજો તો બધા સરખા.
પૂર્વ દિશામાં મોં ફેરવીને ઊભેલા લોકો.
આમ તો ક્યારેય પાછું વળીને જુએ નહીં,
પણ છતાં જોવું હોય તો જોઈ પણ શકે.
મેં મારા ઘરનું વાસ્તુ નથી કરાવ્યું,
એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
રુદન સંભળાય છે.
એ ઘરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
બીજા કોઈકના પૂર્વજોનું
ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
અને મને એ બધું જ મારી આવનારી પેઢીના
પૂર્વજો જેવું લાગે છે.
એટલે કે હું જ,
આ મારા ઘરની હમણાં જ ધોળાયેલી દીવાલોમાં
ચણાયેલી, કેદ,
પૂર્વ દિશામાં જોઉં છું તો પીઠ ફેરવીને ઊભેલા
અસંખ્ય પૂર્વજો દેખાય છે.
બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
આવનારા જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
મારા ઘરની ભીંતોમાં રહેતી હું
રાહ જોઈ રહી છું,
ધરતીકંપના એક હળવા આંચકાની.