મનીષા જોષીની કવિતા/ભુજ

ભુજ

ભુજની શેરીઓમાં ઢોળાયેલા એંઠવાડની
આસપાસ નિરાંતે ફરતી રહેતી એ ગાયો
ઘરની બહાર ઓટલા પર મુકાતી રોટલીઓની
રાહ જોતાં બેસી રહેલાં કૂતરાં
ખત્રી ચકલાની ગલીના નાકે આવેલી એ પાનવાળાની દુકાન
જેમાં ઠેરઠેર ગોઠવેલા હતા.
મધુબાલાની મારકણી અદાઓના ફોટા
દરબારગઢના એક ખૂણામાં ઊભી રહેતી
ફરાળી કચોરીની એક લારી
દાબેલી પર શણગારાતા દાડમના દાણા
અન્નકૂટ અને હિંડોળાના દર્શને જતા ધન્ય ધન્ય લોકો
નાગપંચમીના ભુજીયા ડુંગર પર દૂધ પીતા સાપ
રાજેન્દ્રબાગમાં લીલાછમ ઘાસ પર ફરતી બકરાગાડીમાં
પોતાનાં નાનકડાં બાળકોને બેસાડીને ખુશ થતાં નવાંસવાં મા-બાપ
આયના મહેલમાં પોતાના રજવાડી પ્રતિબિંબના
પ્રેમમાં પડી જતા વિદેશી સહેલાણીઓ
નજરબાગની ઊંચી દીવાલો પર
પ્રોજેક્ટર વડે દર્શાવાતી શ્વેત-અશ્વેત દસ્તાવેજી ફિલ્મો...
ભુજ –
સુંદર છે, સ્થગિત છે, મારી અંદર.
મારી અંદર
માછલીઓનું એક ટોળું
હજી પણ આવે છે
હમીરસરના કિનારે
રોજ, સવાર-સાંજ
અને લોકો એ માછલીઓને ફેંકે છે
લોટના ટુકડા.
ધરતીકંપે તોડી નાંખી છે
હમીરસર તળાવની પાળ
પણ મારી અંદર
હજી પણ ઓગને છે, હમીરસર
અને એક રાજા
અંબાડી પર બેસીને આવે છે
મારી અંદર છલકેલા તળાવને વધાવવા.