મનીષા જોષીની કવિતા/મૃત્યુ, તું દુષ્ટ નથી
મૃત્યુ,
તું દુષ્ટ નથી.
રાત્રે ઊંઘમાં મૃત્યુ પામેલી
કોઈ વ્યક્તિના ચહેરા પર
મેં જોયું છે તને
કોઈ એક સ્વચ્છ સવારે.
તું નહીં ડંખે મને, ફણીધર સાપની જેમ
કે સહસ્ર પગાળા વીંછીની જેમ.
તું આવશે મારી પાસે એક ભોળા મંકોડાની જેમ.
હાલ તો હું વાળું છું તને મારી ત૨ફ
ને વળી જાય છે તું ઊંધી દિશામાં
મૂંઝાયેલા મંકોડાઓની હારમાં
પણ હું જાણું છું કે એક દિવસ
હું તને ખસેડીશ અવળી દિશામાં
અને તું વળશે મારી તરફ, સ્પષ્ટ
ધીમી પણ મક્કમ ચાલે.
મૃત્યુ,
તું આવજે મારી પાસે
મોંમાં ગૉળનો કણ લઈને.
લઈ જજે મને આખા ગૉળની ભીલી પાસે.
ફાટેલા કંતાનમાંથી ઝરતા ગૉળના રસને
ચાખી લઈશ હું વધુ એક વાર.
પછી ચાલી નીકળીશ હું તારી સાથે
કોઈના ઘરમાં પ્રવેશી રહેલી
કોઈ એક સ્વચ્છ સવાર બનવા.