મનોહર ત્રિવેદીનાં કાવ્યો/આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨)
આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
તડકા જો હોત તો તો સમજ્યાં કે
જાળીથી વાયરાઓ લાવે છે લૂ
ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
ને પળે પળે દાઝું છું હું
હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
સીમ ભણી ખળખળતાં વ્હેણ
સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
આંગણમાં આવીને