મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ચોમાસે
વાંચ વિજોગણ! ખત ચોમાસે
આવ્યો’તો જે ગત ચોમાસે
ટીકીટીકી નીરખવાની-
સારી નહિ આ લત ચોમાસે
વૈશાખે ચાંદરણાં ચૂવે :
એમ જ ચૂવે છત ચોમાસે
નાનકડી ધૂણે છે નદીઓ
પ્રગટ્યું ક્યાંથી સત ચોમાસે?
નેવાં નીચે રહી સચવાશે-
આમ કુંવારાવ્રત ચોમાસે?-
કોરાં રહેવું કે ભીંજાવું?
સૌને સૌના મત ચોમાસે
પંક્તિ-પંક્તિ જલની ધારા
નભ : પુસ્તકની પ્રત ચોમાસે.