મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પગમાં –

પગમાં –

પગમાં કાશી, પગમાં મક્કા
તમે કહો છો ધક્કેધક્કા

આંખ ખૂલી તો ઘર પણ ગાયબ
બંધ કરી તો હક્કા-બક્કા

કદી પીઠમાં હાથ ફેરવે
કદી કદી છોડાવે છક્કા

જન્મે જાણે હાલે ચાલે
મરવાના યે આમ તબક્કા?

પંડિત સર્વે ચૂપ થયા ત્યાં
અભણ ભણાવે જગને કક્કા

મરતાંને જે કહે નઃ મર તું
તમે મનોહર, ભારે પક્કા