મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મશ

મશ

મશ આંજી’તી મશ
ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ

એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ

રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ

કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?

મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ

પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?

આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
મશ આંજી’તી મશ