મનોહર ત્રિવેદીનાં કાવ્યો/હું એને ગઝલ કહું
આ એક એક ઢાળ હું એને ગઝલ કહું
તારા પ્રલંબ વાળ હું અને ગઝલ કહું
આ હાથ નથી હાથ, નથી ફક્ત ચૂડીઓ
કલરવતી ડાળ ડાળ હું એને ગઝલ કહું
ને ‘કોણ?’ પૂછતાં જ ખૂલી જાય બારણાં
કોઈ કહે ‘સવાલ’ હું એને ગઝલ કહું
વરસાદ જેમ આવવું ને ભીંજવી જવું
તારું નગર વચાળ હું એને ગઝલ કહું
લજ્જા ઢળેલ આંખ ને થોડીક મૂંઝવણ
કન્યા લખે ટપાલ હું એને ગઝલ કહું