મરણોત્તર/૧


સુરેશ જોષી

અર્ધા પાકેલા મરણનો ભાર લઈને ફરું છું. આથી હાથ લંબાવીને એકદમ કોઈને ભેટી શકતો નથી. બોલતાં બોલતાં વાક્ય ઘણી વાર અર્ધેથી થંભાવી દેવું પડે છે. પછી બાકીનું વાક્ય પૂરું કરવાનો ઝાઝો ઉત્સાહ રહેતો નથી. કોઈ બોલે છે તે પૂરું સાંભળવા પૂરતું ધ્યાન એકાગ્ર કરી શકતો નથી. આ ભારને લીધે જ ચાલ્યા કરું છું. એને લઈને ક્યાંય બેસવાનું બની શકતું નથી. કોઈક વાર હસવા જાઉં છું તો કશોક વિચિત્ર અવાજ માત્ર નીકળે છે. મારી આંખો વડે જ જીવું છું. આંખો બધું જુએ છે, નોંધે છે. પણ કોઈ મારી આંખમાં આંખ માંડીને ઝાઝી વાર જોઈ શકતું નથી. સામા માણસની એવી સ્થિતિ જોઈને હું જ ત્યાંથી ખસી જાઉં છું. આંખની એકોક્તિ અધૂરી રહી જાય છે.

સુધીરના ઘરથી દરિયો અર્ધોએક માઈલ દૂર હશે. એનું ઘર એક નાની ટેકરી પર છે. ટેકરીના ઢોળાવ પર વૃક્ષો ગીચ ઊગેલાં છે. આજુબાજુમાં બીજી વસતિ નથી. હું એને ઘરે પહોંચ્યો ત્યારે મનોજ, ગોપી, મૃણાલ, અશોક, રોમા – કોઈ આવ્યું નહોતું. દરિયા તરફ પડતા ઝરૂખામાં જઈને હું ઊભો. હું કોઈની રાહ જોતો નહોતો. દૂરના દરિયાનો આભાસ ચાંદનીમાં ચમકતો હતો. પવનને કારણે મરણના ભારને સંભાળવાનું મુશ્કેલ થઈ પડતું હતું. કશીક વેદનાનો સુસવાટો હું હૃદયના ધબકારમાં સાંભળતો હતો. આવી પળે અંદર રહેલા મરણમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ પ્રસરવા માંડે છે. એનું મને ઘેન ચઢે છે. એ ઘેનમાં છતાં જોતો, જાગતો, વેદનાનો સુસવાટો સાંભળતો હું ઊભો હતો.

ત્યાં સાવ પાસે આવીને કોઈક બોલ્યું. ગર્ભમાંના બાળકના હૃદયના ધબકારા જેવો એ અવાજ હતો. એકાએક ચાંદનીમાં એક મુખ ચમકી ઊઠ્યું. મેં પૂછ્યું: ‘કોણ મૃણાલ?’

‘ના.’

‘તો?’

‘મેધા.’

હવે એનો અવાજ પાતળા બરફની પતરી જેવો હતો. પ્રકટ થાય તે પહેલાં ચૂર્ણ થઈને વેરાઈ જતો હતો. એ મારી સામે જોતી નહોતી. કોણ જાણે શાથી મને એમ લાગતું હતું કે જાણે હું કોઈ ખંડિયેરની પાસે ઊભો હતો, એની આંખોમાં દીવાલને બાઝેલી લીલના જેવી સ્નિગ્ધતા હતી, પણ એ દૃષ્ટિ મારી તરફ મંડાયેલી ન હતી. હું ન-હોવાનું એક આછું સરખું બિન્દુ જ કદાચ એને મન હોઈશ. સાચેસાચ એવું લગભગ નિશ્ચિહ્ન બિન્દુ બનવાનું મને ગમે. પણ અર્ધા પાકા મરણનો ભાર ઘૂંટાઈને મને એવી ઘનતાથી લાદે છે કે મારે નિશ્ચિહ્ન બનીને અલોપ થઈ જવું હોય તો ભગવાનના એક પ્રચણ્ડ નિશ્વાસની જરૂર પડે, પણ ભગવાન સુખી છે, અને–

મેધાના શ્વાસ મને ઘેરી વળે છે. કણજીનાં પાંદડાંને મસળતાં જેવી વાસ આવે તેવી એની વાસ છે. એ મારી નિકટ સરે છે. એની કાયાનો મને સ્પર્શ થાય છે. વરસાદમાં નદીના કાંઠાની ભાંગી પડતી માટીના જેવી એની કાયા છે. એના નજીક આવેલા મુખનો ઉત્તાપ મને સ્પર્શે છે. હું કદાચ આત્મરક્ષણ માટે હાથ ઊંચો કરું છું. એ મારા હાથને પકડી લે છે. એને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાય છે. હાથની શિથિલતા સામે એની કાયા બળવો કરે છે. મારામાં બેઠેલું ખંધું મરણ હસે છે. એના પડઘા દૂરના દરિયાના આભાસ સુધી વર્તુળો બનીને વિસ્તરે છે. મેધાના પાસે આવેલા મુખથી હું ઢંકાઈ જાઉં છું. એનું મુખ એકાએક ગાઢ વન બની જાય છે. એ વનમાં એક ગુફા છે. એ ગુફાની બહાર કાળું ભીનું અંધારું છે. એ અંધારાની માદક વાસ મને છંછેડે છે.

હું મેધાના કાનમાં જાણે જાદુઈ મન્ત્ર ઉચ્ચારતો હોઉં તેમ કહું છું: ‘મેધા.’

એ કણસે છે. એના હાથની આંગળીઓ મારા શરીરમાં નદીના જળમાં ગભરાઈને ભાગતી માછલીઓની જેમ સળવળે છે. મારામાં બેઠેલા મરણથી હું એનું રક્ષણ કરવા ચાહું છું. મારું શરીર એના ઉત્પાતને શાન્તિથી સહે છે. હું કંઈક બોલવા મથું છું. શબ્દ જેવો ઉચ્ચારવા જાઉં છું તેવો જ એ મરણના પંજામાં ઝડપાઈ જાય છે. મારા હોઠ ફરકીને રહી જાય છે. પણ એનો અણસાર વર્તાતાં એ એના હોઠથી એ નહીં ઉચ્ચારાયેલા શબ્દો શોધે છે, ધૂંધવાઈને મારા હોઠને એ કરડે છે.

હું મનમાં ને મનમાં બોલું છું: ‘મેધા, જો શાપ કે વરદાન આપવાની મારી શક્તિ હોય તો હું તને શિલામાં ફેરવી નાખું. હું નદી બનીને તને મારા ઊંડાણમાં લઈ જઈ રમાડું, તારામાં નક્ષત્ર થવાની મમતા જગાડું.’

પણ મેધાની કાયાના આર્દ્ર ઉત્તાપની આબોહવામાં હું રૂંધાઈ જાઉં છું. ચંચળ ગતિએ જો દોડી શકાતું હોત તો એક છલાંગ મારીને હું દરિયાકાંઠે પહોંચી ગયો હોત. ઉન્મત્ત પવન થઈને મેધાની આખી કાયાને રણની રેતીની જેમ વંટોળે ચઢાવવાની ઇચ્છા થાય છે. ઉગ્ર સૂર્ય બનીને એને બાષ્પીભૂત કરી નાખવાની ઇચ્છા થાય છે. ખંધું મરણ મારી આ બધી ઇચ્છાને એક ઠંડી ફૂંક મારીને ઉરાડી મૂકે છે. એ મરણને ગૂંગળાવી મૂકવાને હું મેધાના બંને હાથ મારી ડોકની આજુબાજુ ભીડાવી દઉં છું. મેધા પશુની જેમ હાંફે છે. મારી પકડ ઢીલી પડી જાય છે. વૃક્ષ પાછળ ઢંકાયેલો ચન્દ્ર બહાર નીકળે છે. એના અજવાળામાં એક પડછાયો પાસેની દીવાલ પર દેખાય છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’