મરણોત્તર/૧૦


૧૦

સુરેશ જોષી

એકાએક આખો ઝરૂખો ચાંદનીમાં ખુલ્લો પડી જાય છે. જોઉં છું તો બીજે છેડે મારી પીઠ કરીને ખુરશીમાં બેઠું બેઠું કોઈ સિગારેટ પીએ છે. પાસેની ટિપોય પર મૂકેલો ગ્લાસ ચાંદનીમાં ચળકે છે. હું પાસે જઈને પૂછું છું: ‘કોણ, સુધીર?’ એ ચમકીને મારી સામે જુએ છે. કહે છે: ‘ના, અશોક.’ પછી કહે છે: ‘અરે, તું બધાં જોડે બીચ પર ગયો નથી?’ હું કહું છું: ‘ના.’ થોડી વાર સિગારેટના છેડાને દાંતથી કરડતો બેસી રહે છે. પછી કહે છે:

‘બેસ, ડ્રાઉન યોરસેલ્ફ ઇન ડ્રીન્ક.’

‘ના.’

‘દોસ્ત, કંઈક કીમિયો બતાવ. તારી પાસે જો કશો કીમિયો હોય તો હું ઊગરી જાઉં.’

હું જવાબમાં કશું બોલતો નથી. હું જોઉં છું. એની આંખો સૂજેલી છે. એ હંમેશાં કશુંક લખવાની વાતો કરે છે. વાતોમાં ચગે છે. ખૂબ ચમકારા દેખાડે છે. પણ આખરે એનાથી કશું બની શકતું નથી. પછી બધું ઠરીઠામ થાય છે. એ લખવા કરવાની વાત ભૂલી જાય છે. વળી કોઈ નારી એને છંછેડી જાય છે.: કોઈ રીટા, ડોલી, મોનિકા – વળી કયાંકથી પેલી ઇચ્છા સળવળે છે. વળી એની વાતો ચગે છે. વળી પાછો કશું ન કરવાનો નશો એને ઘેરી વળે છે. એ બેહોશ થઈ જાય છે.

એ ફરીથી પૂછે છે: ‘દોસ્ત, કશોક કીમિયો બતાવ.’

એ મારી આંખોમાં તાકી રહે છે. ખંધું મરણ હસે છે. મને થાય છે કે હું અશોકને કશુંક કહું. પણ પહેલો શબ્દ જડતો નથી. મારા મોઢા પર કદાચ બોલવાની ઉત્સુકતાનો ભાવ છે. એથી એ અધીર બનીને મને જોયા કરે છે. મારે એને ઘણું કહેવું છે. વર્ષોથી કહેવાની ઇચ્છા છે. હું માત્ર એનો હાથ મારા હાથમાં લઉં છું. મારા હાથના સ્પર્શથી એ એકાએક ચોંકે છે. એનો હાથ પાછો ખેંચી લે છે.પણ એની દૃષ્ટિ એ મારા તરફથી ખસેડી લઈ શકતો નથી. એ એક નિસાસો નાખે છે. પછી નજર નીચી કરે છે. સિગારેટ સળગાવે છે. મને હાથ પકડીને બેસાડે છે. હું સમજી જાઉં છું. એ કશુંક કહેવા ઇચ્છે છે. હું ન હોત તો કદાચ એ આ ઘરના સૂનાપણાને પણ એ વાત કહેત. આથી હું બેસું છું. સિગારેટની રાખ ખંખેરીને એ સમુદ્ર તરફ દૃષ્ટિ કરીને થોડી વાર સ્થિર બેસી રહે છે. પછી વળી મારી તરફ ફરે છે. દાંતથી હોઠ કરડીને કહે છે.: ‘ડેમ ધીઝ સીલી ગર્લ્સ!’ થોડી વાર સુધી એ કશું બોલતો નથી, પછી હું જાણી જાઉં છું કે હવે એના શબ્દો ઝાઝા રોકાય એમ નથી. સિગારેટને એશટ્રેમાં કચડી નાખીને એ અસ્થિર બનીને ઊભો થઈ જાય છે. પછી બોલે છે: ‘યુ કેન નોટ રાઇટ અ માસ્ટરપીસ વિધાઉટ અ મિસ્ટ્રેસ. પણ એવી કમ્પેનિયનશીપ ક્યાં મળે છે? આ આપણો પવિત્ર ભારત દેશ. એમાં સ્ત્રીઓ બધી દેવી. કોઈ માણસ બનીને માણસ સાથે વાત કરતું નથી. યુ હેવ ટુ પેમ્પર ધેર ઇગો. તમે તો બહુ સારું ગાઈ જાણો છો. ઓહો, આ તમારું પેઇન્ટંગિ છે? – પછી થોડા ગળગળા થઈને તમે તમારા બનાવટી દુ:ખનું બયાન કરો. દેવી પીગળે, માતાની જેમ આશ્વાસન આપે, અથવા તો એની આંખમાં આંસુ છલકાય. આપણે કહીએ: ‘ડોન્ટ સ્પોઇલ યોર બ્યુટિફૂલ આઇઝ’ એટલે વળી મલકાય. જરા સારો મૂડ જામે, એટલે વાત કાઢીએ ને હિંમત કરીને કહીએ: ‘આઇ વોન્ટ ટુ રાઇટ એન એક્સ્ટ્રાઓડિર્નરી સ્ટોરી’ એટલે મોઢું વકાસીને આપણા તરફ જોઈએ આંખો મોટી મોટી કરીને પૂછશે: ‘ઓહ, ઇઝ ઇટ સો? હાઉ વન્ડરફૂલ!’ એટલાથી ઉત્તેજન પામીને આપણે વાતો આગળ વધારીએ. બેએક મિનિટ એ બધું સહી લે, પછી બહુ નમ્ર અવાજે કહેશે: ‘એસ્ક્યુઝ મી, આઈ હેવ ટુ રિંગ અપ માઇ ફ્રેન્ડ – ‘પછી એ ‘ફ્રેન્ડ’ જોડે થતી વાતો – ‘હાઉ લવલી, હાઉ નાઇસ, સ્યોર સ્યોર સ્યોર, ડોન્ટ બી સીલી,’ પછી પાછી આવીને બેસે, બધી આગલી વાત ભૂલી જાય અને એકદમ પૂછી બેસે: ‘તમે સ્ટેઇટ્સ ક્યારે ગયેલા?’ ગુસ્સે થઈને જવાબ આપી દઈએ, ‘છેલ્લો ગયેલો ‘67માં.’ પછી આપણે બહાનું કાઢીને ઊઠી જઈએ, વાત ખતમ,’ આટલું બોલીને ફરી ત્રણચાર વાર એ બબડે છે: ‘ખતમ, ખતમ, ખતમ.’ ત્યાં મને પરિચિત સુગન્ધ ક્યાંકથી આવે છે. ઝરૂખાને દૂરને છેડે કોઈકનો અણસાર વરતાય છે. હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’