મરણોત્તર/૧૭
સુરેશ જોષી
ઝરૂખાને બીજે છેડે ઊભી છે નમિતા. એની રેશમી સાડી ચાંદનીમાં ચળકે છે. એ કદાચ કોઈકની રાહ જોઈ રહી હશે. એ ધીમે ધીમે પાસે આવે છે. એકાએક મને જોઈને હસીને કહે છે: ‘ઓહ, તું!’ કદાચ એ મને જોઈને નિરાશ થઈ હશે. એની કાયા પરના રેશમની ભૂરકી નાખનારી બડાશ – એના તન્તુઓ લંબાઈને સ્વપ્નના છેડાઓ વિસ્તારે છે. રેશમ એની કાયાને સુંવાળપથી પંપાળી રહ્યું છે. એની સળેસળમાં રોમાંચનો ચમકારો છે. એ નમિતાની કાયાના ઘાટની નિર્લજ્જ બનીને ચાડી ખાય છે. એના આ કાવતરામાં પવન ભળી જાય છે. રેશમની ચંચળતા રહી રહીને વીજળીની જેમ દોડી જાય છે. મારામાં બેઠેલા ખંધા મરણના મોઢામાંથી લાળ ઝરે છે.
નમિતા પૂછે છે: બધાં ક્યાં ગયાં?
મારી દૃષ્ટિ સમુદ્ર તરફ વળે છે. એ પણ સમુદ્ર તરફ જુએ છે. ત્યાં એકાએક પવન આવીને એના વક્ષસ્થળને ઉઘાડું કરી નાખે છે. મન્ત્રના બળે શાન્ત બેસાડી રાખેલાં સ્તન ચંચળ થઈ ઊઠે છે. એથી નમિતા મૂંઝાઈ જાય છે. કંઈક અન્યમનસ્ક બનીને એ સાડીનો છેડો ફરી હાથમાં લેવા જાય છે. પણ ચંચળ સુંવાળી લિસ્સી માછલીના જેવું રેશમ આંગળી વચ્ચેથી સરી જાય છે. ત્યાં પવન બીજું અળવીતરું કરે છે. એની લટ ફરફરતી એની આંખોને પજવે છે. બીજા હાથે એ લટને સરખી કરવા જાય છે. એના હાથનો એ વળાંક, કોણી ઉપરના ભાગની દબાઈને ઊપસી આવતી પુષ્ટતા હું જોઈ રહું છું.
નમિતા નિસાસો નાખે છે. મરણની જીભ લપકે છે. નમિતાની આંખોમાં પાંખ ફફડાવીને ઊડી જવા ઇચ્છતા પંખીની અધીરતા છે. પવન રેશમ સાથે છાની વાતો કરે છે. એની એ ગુસપુસ મારે કાને પડે છે. મધદરિયે જતાં કોઈ વહાણના શઢમાંથી કોઈક પ્રલાપ આ પવન સાંભળતો આવ્યો છે. નમિતાની કાયા પર રેશમની ઝાંય જાણે મોહકતાનું આછું આસ્તરણ બની રહે છે. રેશમ વધુ વાચાળ બને છે. પણ નમિતા જાણે એ કશું સાંભળતી નથી.
દૂરથી કોઈને સંકેત કરીને બોલાવતી હોય તેમ નમિતા હાથ ઊંચો કરે છે. સહેજ ઝરૂખાના કઠેરા પર ઝૂલે છે. એના પગ સહેજ ડગી જાય છે. એનું સમતોલપણું જતું રહે છે. કઠેરાની બીજી બાજુ જઈને ન પડે એ માટે એ મારી તરફ ઝૂકે છે. બીજી જ ક્ષણે એનો ભાર મારા પર આવી પડે છે. હું જાણું છું કે એ નમિતા જ છે. છતાં મારાથી પૂછી દેવાય છે: ‘કોણ મૃણાલ?’