મરણોત્તર/૧૯
સુરેશ જોષી
કોઈ વાર હું પથ્થર ભેગો પથ્થર થઈને રહેવા જઈશ. પથ્થરમાં એક પ્રકારની શાશ્વતતા છે. સૂર્યથી પીગળી નહીં જવું, ચન્દ્રથી લોભાઈને પથ્થરપણું ખોઈ ન બેસવું, ચાંદનીના જાદુઈ સ્પર્શે સપનું બનીને ઊડી ન જવું, જળની થપાટોને સ્નેહસ્પર્શ ગણી લેવો, જળના અવિરત પ્રણયનિવેદનને સાંભળ્યા કરવું, હૃદયને એવું તો સંતાડી દેવું કે બધા મને હૃદયહીન જ માને, કેવળ વજ્રપાત જ હૃદયને ભેદે, પવનની ચંચળતાને સહી લેવી, ફરી એનો હાથ ઝાલીને સ્વૈરવિહાર કરવાની ભૂલ ન કરવી, વીજળી હૃદય ભેદવા આવે તો જાણે કશું બન્યું જ નથી એમ માનીને મીંઢા થઈને બેસી રહેવું, જ્વાળામુખી અને ઉલ્કાની સ્મૃતિને માથું ઊંચકવા જ ન દેવું –
મરણ મારા આ તરંગને સાંભળે છે, ખંધું હસે છે. પછી પોતે જાણે પથ્થર હોય એમ નિશ્ચલ થઈ જાય છે. મને એનો ભાર વધારે લાગવા માંડે છે. એનો આ ઢોંગ વધારે ચાલતો નથી. એક પથ્થર બીજા પથ્થરને નિષ્પલક જોઈ રહે તેમ એ મને જોઈ રહે છે. જળની ધારા બે પથ્થરને જોડે છે, કોઈ વાર જળ પથ્થરને ખોળે બેસાડીને લઈ જાય છે. પણ હું નદીકાંઠાનો પથ્થર નથી. નદી એનો પ્રવાહ બદલીને દૂર જતી રહી છે. માણસને આંગળી ચીંધી રસ્તો બતાવતો હું સીમાડાનો પથ્થર નથી. માનવીના સમ્પર્કથી હું બહુ દૂર છું. પથ્થરો જોડે પણ ચણાઈ જવા જેવો મારો નિકટતાનો સમ્બન્ધ નથી. પાસેના પથ્થરની અને મારી વચ્ચે પોલાણ છે, જેમાં પવન એનાં અળવીતરાં કરે છે, કોઈ વાર એ એમાંથી હૂ હૂ કરતો ભાગે છે. દૂરથી કોઈને એમ લાગે કે પથ્થરો જ બોલ્યા કે શું! પણ અમે આકાશનાં નક્ષત્રો કરતાંય વધારે મૂગા છીએ. બે નક્ષત્રો વચ્ચેનો શૂન્યાવકાશ ઘનીભૂત થઈને અમારી કાયામાં સમેટાયો છે. સૂરજનાં થીજેલાં ટીપાં જેવા અમે અહીં વેરાયેલા છીએ. પવન અમને તીક્ષ્ણ બનાવવા મથે છે, અને અમે અમારી કઠોર તીક્ષ્ણતા બદલ ગાળ ખાઈએ છીએ. પવનની આંગળી મારી કાયા પરથી આંધળો અક્ષર ઉકેલે તેમ કશુંક ઉકેલવા મથે છે, ઉકેલતો ઉકેલતો પવન લવતો જાય છે. હું તો એનું કશું કાને ધરતો નથી, પણ કોઈ વાર એના એક સરખા ગુંજનનું ઘેન ચઢે છે, કોઈ વાર જળના એક સરખા ખળખળ નાદનું ઘેન ચઢે છે. એ ઘેનને વશ થઈને હું બોલી ઊઠું છું: ‘મૃણાલ!’