મરણોત્તર/૩૫


૩૫

સુરેશ જોષી

પ્રભાત વેળાનો પાતળો થતો જતો નિદ્રાનો પ્રવાહ અન્ધકારમાં ભળીને ધીમે ધીમે ઓસરવા લાગ્યો છે.

સુધીર હમણાં જ આવ્યો લાગે છે. એ મેધાને ઢંઢોળે છે. મેધા જાણે કેટલાય જન્મો જેટલે દૂર નીકળી ગઈ છે. એ પાછી ફરવાનો પ્રયત્ન કરે છે, પણ સુધીર અધીરાઈથી એને બાહુપાશમાં લઈને ભીંસે છે. સુધીરના અંગ સાથે જકડાયેલી ઉત્તપ્ત ઉચ્છિષ્ટ હવાનો સ્પર્શ મેધાને અકળાવે છે. એ ઊંડે ઊંડે કોઈ અતલ સંજ્ઞાહીનતામાં સરી જવા ઇચ્છે છે. હું પણ ઘણી વાર એવી જ સંજ્ઞાહીનતાના પ્રલોભનમાં ખેંચાયો છું, પણ છેક ડૂબી જવાની અણી પર હોઉં છું ત્યારે જ મરણ હડસેલો મારીને મને સપાટી પર લાવી દે છે. ફરીથી સૃષ્ટિ શરૂ થાય છે. આદિકાળનાં એ અરણ્યોનાં પ્રવેશદ્વાર આગળ હું ઊભો રહું છું. સરિસૃપોનાં ટોળાંને પસાર થતાં જોઉં છું. બધું નિ:શબ્દ છે, ગતિ નથી પણ ગતિનું અસ્થિપિંજર છે. ધ્વનિ નથી, એની વિલાઈ જતી રેખામાત્ર છે. પર્વતનાં ઊંચાં શિખરોની અણી પર તોળાઈ રહેલા અવકાશની નીરવ ચીસથી બધું હાલી ઊઠે છે. મારા હાથ જળની જેમ સરવા લાગે છે. આંખો આકાશની નિ:સીમતામાં ઊડી જાય છે. પગ કોઈ શતાબ્દીજૂના વૃક્ષનાં મૂળ સાથે વીંટળાઈ જાય છે. હૃદય એની બખોલમાં એકલું બેસી રહે છે. ત્યાં કોઈ મસમોટા પંખીના રાતા નહોર એ બખોલને ખોતરે છે. હૃદય ફફડી ઊઠે છે. એ નહોરની તીક્ષ્ણતા સામે ટકી રહેવાય નહીં તેની ખબર છે. પંખી એની ચાંચ ઘસે છે. એની ગોળ આંખો ફરે છે. એની પાંખોની ઝાપટ વાગે છે. હૃદય સંકોચાઈને કેવળ શૂન્ય જેવું રહી જાય છે. પંખીના પ્રચણ્ડ પડછાયા નીચે એ થરથરે છે. બખોલનું આવરણ ચિરાઈ જાય છે. ચાંચની પકડમાં ચંપાયેલા હૃદયને લઈને પંખી ઊડે છે. શતાબ્દીઓનાં અરણ્યોમાં થઈને એ ઊડ્યું જાય છે, કદાચ હવે મારામાં હૃદય ધબકતું નથી, જે છે તે પેલા પંખીની પાંખોનો જ અવાજ છે. કોઈ વાર એ અવાજ આછો થાય છે. જાણે એની ચાંચની તીક્ષ્ણ પકડ ઢીલી પડે છે, ત્યારે આશા બંધાય છે. આંખ નિ:સીમતાને પોતાનામાં સમેટી લઈને પાછી આવે છે. મારાં બે ચરણ કોઈ નવો લય શીખીને પાછા આવે છે. મારા હાથ કોઈ નવા સ્પર્શથી રોમાંચિત થઈને પાછા આવે છે. ત્યારે ફરીથી વાણી પ્રકટે છે, એનું પહેલું ઉચ્ચારણ છે: મૃણાલ.