મરણોત્તર/૩૬


૩૬

સુરેશ જોષી

સામેની વાંસની જાળ પવનમાં હાલે છે. એના પડછાયાની ભાત ભીંત પર અંકાઈ જાય છે. એ કોઈ જાપાની ચિત્રકારના ચિત્ર જેવી લાગે છે. કોણ જાણે શાથી હું એને સહી નથી શકતો. પણ એને ભીંત પરથી શી રીતે ભૂંસી નાખી શકાય? એ પીળા વાંસમાં પીળા પટેદાર વાઘનાં ટોળાં છે. એમાં ક્યાંક ઊંધો લટકતો અજગર છે. એમાં ક્યાંક મારું બાળપણ ભેરવાઈ ગયેલું છે. એની આજુબાજુ આછાં લીલાશ પડતાં જળવાળી નદી છે. પાસે પંખીઓનું ટોળું છે. એ વાંસની શિરાઓમાં ચંચળ અગ્નિની આંખો લપકારા મારે છે. વાંસ ડોલે છે. આખું વન જાણે ચાલી નીકળ્યું છે. હમણાં જ જાણે શહેરની ઊંચી મહોલાતને વીંધીને વાંસ ઊગી નીકળશે. નવજાત શિશુની આંખમાંથી વાંસના અંકુર ફૂટશે. રસ્તાઓ વાંસમાં ખોવાઈ જશે. જોઉં છું તો મારા મરણ પર વાંસ ભેગા થઈને ચાલવા માંડ્યા છે. એ બે ચરણ વચ્ચેની બખોલમાં એક નાનીશી ગુફા છે. એ ગુફામાં ક્યાંકથી થોડું થોડું જળ ઝરપે છે. એ ઝરપતા જળને કોઈ જીભ કાઢીને ગળી જાય છે. એ ગુફામાં હજારો વર્ષોથી તપ કરતો કોઈ જોગી બેઠો છે. હજારો વર્ષોથી એની ધૂણી ધખે છે. એ જોગી એની જટામાં અદૃશ્ય થઈને રહે છે. પણ એનો અગ્નિ મને ઉન્મત્ત કરી મૂકે છે. એને હોલવવાને કોઈ કૂવો હજી જડ્યો નથી. આ ટીપે ટીપે ઝરપતું જળ કાંઈ પૂરતું નથી. એનું ટીપુંય મને તો ક્યાં ખપમાં આવે છે! આ અગ્નિ, આ જટાનો વિસ્તાર, આ ગુફા અને એનો અન્ધકાર – આ બધું લઈને પેલા વાંસવનનો વાંસ બનીને હું ચાલું છું. કયાંક નદી સાથ છોડી દે છે, ક્યાંક સમય પણ. કોઈ મહાદેવના મન્દિરના ઘણ્ટમાં રણકતો સંભળાતો નથી. પણ વન ચાલે છે, શહેરો વન બને છે, માનવી વૃક્ષ બને છે, મારી વચ્ચે કેટલીય કેડીઓ અલોપ થઈ જાય છે. સવારના આછા કૂણા અન્ધકારમાં વાસને અંકુર ફૂટે છે ને મને શૂળ ઊપડે છે. એ શૂળથી વીંધાઈને હું નિ:શ્વાસ નાખું છું. એ નિ:શ્વાસથી વાંસનાં પાંદડાં હાલી ઊઠે છે ને તરત જ હજારો પંખીઓનું ટોળું પાંખ ફફડાવીને ક્યાંક ઊડી જાય છે. એ પાંખોનો જ દૂર સાગર બની જાય છે. એ પાંખોનું હાલવું દૂરથી મોજાંના ઉછાળા જેવું લાગે છે. એના ઊછળવાના લયમાં હું ડોલું છું. મારામાં રહેલું સૂકું મરણ આ ડોલવાથી ખખડે છે. મારા શ્વાસમાં હું એનો આ ખખડાટ સાંભળું છું. એ મારા કાનમાં વાગે છે. આથી હું ભીંત પરની વાંસની ભાતને ભૂંસી નાખવા ઇચ્છું છું, ગભરાઈ ઊઠેલા ભીરુ શ્વાસની પાંખો બીડીને, આંખો બીડીને શાન્ત કરી દેવા ઇચ્છું છું પણ પેલું વાંસવન ચાલ્યા જ કરે છે, પેલાં પંખીઓ ઊડ્યાં જ કરે છે, મરણ ખખડ્યા જ કરે છે. હું ગભરાઈને ચીસ પાડવા જાઉં છું. શતાબ્દીઓના પોલાણ વચ્ચે એ ચીસ બોદી, ખવાઈ ગયેલા શબ્દના ખોખા જેવી પડી રહે છે. એમાંથી કીડીઓની હાર બહાર નીકળવા માંડે છે. એ હારને હું લંબાતી જોઈ રહું છું. કદાચ એને બીજે છેડે સૂર્ય હશે એવો ભાસ થાય છે.