મરણોત્તર/૩૭


૩૭

સુરેશ જોષી

નમિતા, તું આંખો બીડીશ નહીં. મારી જેમ ઉન્નિદ્ર અને નિષ્પલક જ રહેજે. તને ખબર છે આંખો બંધ કરતાંની સાથે કેટકેટલાં દુ:સ્વપ્નો આપણામાં ભરાઈ જાય છે? પછી તો તારી આ સુકોમળ કાયા ભૂતાવળની ચિચિયારીથી ભરેલું અરણ્ય બની રહેશે. એ અરણ્યને કોઈ ભૂગોળ રહેશે નહીં, એની બધી જ ભૂમિ અક્ષુણ્ણ રહેશે. કેવળ અન્ધકારનાં શાખાપત્ર જ એમાં વધ્યે જશે. પછી એમાં નહીં ઊગે સૂર્ય કે નહીં ઊગે ચન્દ્ર. શ્વાસ ભૂવાની ડાકલી જેવા લાગશે. પ્રેમ તો પ્રેતની જેમ દર શોધતો સંતાતો ફરશે. તેં સાચવી રાખેલાં બે મીઠાં સ્મરણો વૃક્ષોથી ઘેરાયેલી કોઈ અષ્ટકોણી વાવના ઊંડાણમાં ઓગળતાં જશે. નમિતા, તું બે પાંપણોને મળવા દઈશ નહીં. સૂર્યને પાંપણને કિનારે ઝીલવો પડે તો ઝીલજે, ચન્દ્રશૂળથી આંખો વીંધાય તો વીંધાવા દેજે, પવનની છેતરામણી આંગળીઓ એને ફોસલાવે તો સાવધ રહેજે. તારી આંખ ખુલ્લી હશે તો કોઈ દિવસ તું દૃશ્ય અદૃશ્યને ભેગાં કરી શકીશ.