મરણોત્તર/૭


સુરેશ જોષી

ગોપીનું હાસ્ય રણકી ઊઠે છે. ગીચ ઝાડી વચ્ચે એકાએક કોઈ ઝરણું, ખળખળ વહી જતું દેખાય તેવું મને લાગે છે. હું દૂરના સમુદ્રના આભાસને જોઉં છું, પણ મરણનું ધ્યાન ન જાય તેવી રીતે આ હાસ્યને પણ જોઉં છું. બહુ હસવાથી આંખમાં આવેલાં આંસુ, ગાલના ઊપસેલા ટેકરાઓ, ખૂલી ગયેલું મુખ, ફરી ફરી ગણ્યા કરવી ગમે એવી દન્તપંક્તિઓ – આ બધું હું નજર સામે પ્રત્યક્ષ કરવા મથતો હોઉં છું ત્યાં જ એ હાસ્ય લુપ્ત થઈ જાય છે. પણ એના પડઘા રહી જાય છે. કોઈ જૂના રાજાના મહેલના ખંડિયેરની ઊભેલી દીવાલો મધરાતે કોઈ અકાળે અવસાન પામેલી રાજકુંવરીના હાસ્યથી રહી રહીને ગાજી ઊઠે. દીવાલે દીવાલે એના પડઘા લંબાય, તેમ આ હાસ્યના પડઘા મારામાં ગાજી ઊઠે છે. હું ગભરાઈ જાઉં છું. જો એથી મરણની તન્દ્રા તૂટશે તો? એ પડઘાઓને હું શિશુની જેમ ઢબૂરી દેવા મથું છું. મારી આંગળીને ટેરવે જેટલી માયામમતા રહી હોય તેટલી બધી જ ટપકવા દઉં છું. આછી ધીમી થપકીઓથી હું એ પડઘાઓને શાન્ત કરવા મથું છું. મારી એ થપકીઓના આછા અવાજ નીચે પડઘાઓ શાંત થતા જાય છે. ક્યાંક કોઈક આંસુને તળિયે બેસી જાય છે. ફરી પાછું બધું સ્તબ્ધ થઈ જાય છે. ક્યાંક બે ઘુવડનો ઝઘડો ચાલે છે, ક્યાંક કોઈ વૃક્ષની શાખા વચ્ચે ભેરવાઈ ગયેલાં પોતાનાં અંગોને પવન સંકોરીને કાઢી લેતો સંભળાય છે, ક્યાંક ખરી ગયેલું પાંદડું કશાક દુ:સ્વપ્નથી આહ નાખતું સંભળાય છે; ક્યાંક પિંજરામાંનો પોપટ સહેજ આંખ ખોલે છે તે સંભળાય છે. વૃૃક્ષો નીચે ખસતી ચાંદનીનાં પગલાં સંભળાય છે. ઘડીભર ભાસ થાય છે કે જાણે કોઈ નજીક આવી રહ્યું છે; એનાં પગલાંના અવાજથી મરણની તન્દ્રા તૂટે નહીં એથી હું હોઠ હલાવીને કહું છું: ‘ધીમે, ધીમે, ધીમે.’ મારા કાનમાં કોઈ કહે છે: ‘ધીમે, ધીમે, ધીમે…’ હું પૂછી ઊઠું છું: ‘કોણ, મૃણાલ?’