મર્મર/કોઈ સંત મળે


કોઈ સંત મળે

કાળગંગાને આરે રે મને કોઈ સંત મળે.
મને ડૂબતાને તારે રે એવા કોઈ સંત મળે.

જેનાં લોચન નેહભર્યાં નીતરે
મને સાહવા આપ નીચે ઊતરે
મારા પાપની પ્યાલી રે કરે ખાલી જે ઘૂંટડે;
હૈયું દે છલકાવી રે સુધાઝરતા મુખડે.

જેની સંમુખ સૌ અભિમાન ગળે
ખાલી સ્વપ્નભરી મારી નીંદ ટળે
જેને એક ઈશારે રે મૂગું મૂગું હૈયું પળે;
ગૂંચવાયલ મારગ રે સૌ આપમેળે ઊકલે.

જાગ્યું જીવન જાળવે રે એવા કોઈ સંત મળે.
એને શ્રીપદ ભાળવે રે એવા કોઈ સંત મળે.