મર્મર/ચંપાનો છોડ


ચંપાનો છોડ

મારા વાડામાં ચંપાનો છોડ, ડોલે છે એકલો!
એની કળીઓને ખીલવાના કોડ, જાણું હું એકલો!

કદી ભમતા આવીને અડી જાય, વાયુ વસંતના
ખૂલે આંખે ના કળીઓની તો ય, હોઠો હસંત ના.

મારા હૈયામાં કાંઈ કાંઈ થાય, એને ય જંપ ના
એની કળીઓને કોણ ખોલી જાય? માયે પ્રકંપ ના.

મેં તો સુણ્યા છે કવિઓના બોલ, સાંભળ ચંપાકળી
ઊઠ્યે રમણીના સ્મિતની હિલોળ, ર્હેશે તું તો ખીલી.

નથી તારા મારા જુદા કોડ, ઓરે ઉદાસિની!
વાટ જોઈશું જીવનને છોડ, રમણીના હાસની!