મર્મર/ફૂલ
ફૂલ
મારા બાગમાં ઊગેલ ફૂલ નાનું
ખીલન્ત છાનું છાનું
કે આજ મારે હૈયે આનંદ ના માય.
જાણે પડતાં સવાર શુક્રતારો
આકાશથી ઉતાર્યો
કે આજ મારે હૈયે આનંદ ના માય.
એની પાંખડીઓ પાંચ ધીમે ઊઘડે
હો સ્મિતભર્યા મુખડે
કે આજ મારે હૈયે આનંદ ના માય.
પૂઠે પાંદડાંની કેવું એ ડોલે
સમીરના હિંડોલે
કે આજ મારે હૈયે આનંદ ના માય.
એની નાની તે આંખને ઈશારે
પતંગિયાં પધારે
કે આજ મારે હૈયે આનંદ ન માય.
એની સૌરભની વાત કુંજ કુંજે
ભમરા ભમંત ગુંજે
કે આજ મારે હૈયે આનંદ ના માય
એના હૈયાની હેતભરી પ્યાલી
થતી ન કદી ખાલી
કે આજ મારે હૈયે આનંદ ના માય.
એ તો હસતું સવાર સાંજ ક્યારે
ખીલતાં વિલાતી વારે
કે આજ મારે હૈયે આનંદ ના માય.