માંડવીની પોળના મોર/પર્વ સાહચર્યનું ને ગદ્યનું

પર્વ સાહચર્યનું ને ગદ્યનું...

જો હું ‘સાહચર્ય’માં ગયો ન હોત તો કદાચ મારા હાથે જે બે-પાંચ સારી વાર્તાઓ લખાઈ એ ન લખાઈ હોત. આમ તો ભરતભાઈ અને ગીતાબહેનનો પરિચય થયો એ પહેલાં એકાદ-બે વાર્તાઓ પ્રગટ પણ થઈ ચૂકી હતી, પરંતુ ખરું ઘડતર તો ‘ગદ્યપર્વ’ અને ‘સાહચર્ય’માં જ થયું એવું સ્વીકારવાનો પણ એક રોમાંચ છે. મારા કરતાં આ બેલડીના પરિચયમાં કિરીટ વહેલો આવેલો. પહેલી વાર તે ભાઈ ‘સાહચર્ય’માં જઈ આવ્યો, કહો કે ‘ખાઈ-પી’ આવ્યો ત્યારે ખુશખુશાલ હતો. એક તો ભરતભાઈ અને ગીતાબહેનના સ્વભાવથી અને ગુલામ મોહમ્મદ શેખ, પ્રબોધ પરીખ, ભૂપેન ખખ્ખર, અમે જેમને આદર અને આશ્ચર્ય સાથે કુલભૂષણ ખરબંદા કહેતા એ ઉત્તમ ગડા, અતુલ ડોડિયા, કમલ વોરા, કાનજી પટેલ અને અજિત ઠાકોર જેવા મિત્રોને મળી આવ્યાનો ચમકારો હતો તેના આખાય વ્યક્તિત્વમાં! વાર્તા ‘ગદ્યપર્વ’માં છપાય કે ન છપાય એ અગત્યનું નહોતું. અગત્યનું એ હતું કે ‘સાહચર્ય’માં વંચાય. મિત્રો ગંભીરતાથી, ક્યારેક બિનજરૂરી ગંભીરતાથી કલાકો લગી ચર્ચા કરતા. ઉપર ગણાવ્યા એ મુરબ્બી-મિત્રોનો ગદ્યવિશેનો અને વાર્તા વિશેનો ખ્યાલ તદ્દન જુદો. અમને તેમની ચર્ચાઓમાંથી ઘણુંબધું પ્રાપ્ત થતું. તો સામે પક્ષે તળપદા વાતાવરણ અને તળપદી ભાષાના વળ-વળોટ એ લોકો માટે પણ આશ્ચર્યકારક હતા. અમારી પાસેનાં કથાવસ્તુ અને પાત્રોનાં નિરૂપણથી એ બધા મિત્રો રાજી થતા. ક્યારેક કોઈ ‘સાહચર્ય’માં ન જઈ શકાય ત્યારે ભરતગીતા દંપતી ઉપરાંત અન્ય મિત્રોની પણ મીઠી ગાળો ખાવી પડતી. બધા એકબીજાને ખૂબ ચાહતા અને કોઈની પણ ચડતી કળાથી મનોમન કે ખડખડાટ હરખાતા. કેવાં હતાં ‘સાહચર્ય’નાં એ દૃશ્યો? તમે સાક્ષી ભાવે જોઈ શકો તો સ્ક્રિપ્ટ વિનાનું ત્રણ-ચાર દિવસ ચાલે એવું નાટક ભજવાતું લાગે. નાટકની એક પ્રયુક્તિ તરીકે જાણે કે બધા વાંચતા-વિચારતા ને લખતા લાગે. ક્યાંક કોઈ લોબીમાં અજિત પગ ઉપર પગ ચડાવીને બેઠો હોય, હાથમાં લખવા માટેના કાગળો હોય. બાજુમાં ટાઇગર બામની શીશી પડી હોય. ક્યારેક આકાશમાં જુએ તો ક્યારેક ભોંય પરના ઘાસને જોયા કરે. પછી કીડી-મંકોડા જેવા અક્ષરોમાં કશુંક ટપકાવતો રહે. છેક-ભૂંસ બહુ કરે. વાક્યોનાં વાક્યો બે-ત્રણ રીતે લખી જુએ! લાંબું લખવાનો તેને કંટાળો નહીં ને કંટાળાજનક લખાણને પણ લાંબું કરી બતાડે એવો બહાદુર! કિરીટ મોટા ફાફડા જેવા ગોળગોળ અક્ષરે લખે. લખે ત્યારે આખું શરીર લેખનના લયમાં હલ્યા કરે. તેનું મોટું માથું સમગ્ર શરીરના લયમાં ન ગોઠવાય. વારેવારે નાક સાફ કર્યા કરે. તેના જાડા નૅપ્કિનને કારણ મને ચિંતા થાય કે તેનું નાક તો નહીં છોલાય! એક પેરેગ્રાફ લખે ને ઊભો થાય. બે-ચાર આંટા મારી આવે. લખતા હોય તેને સળી ન કરે, પણ જે વિચાર્યા જ કરતા હોય તેમને જઈને કહે, ‘સાલ્લું, આ લખવાનો જબ્બર કંટાળો આવે છે નંઈ?’ પાછો એકાદ સિગારેટ સળગાવે. આજુબાજુનાને ય એનો ટેસ કરાવે. વળી કંઈક ધૂરી ચડે ને પાછો લખવે ચડે. તેને વાર્તાના મધ્યભાગમાં ભાગ્યે જ તકલીફ પડી છે. તેની મૂંઝવણ હંમેશાં આરંભની ને અંતની. મનમાં તો બધું હોય, પણ કોરા કાગળનો સામનો કરવાનું કેટલું અઘરું છે એની અકળામણ વારંવાર વ્યક્ત કરતો રહે. પણ બે-ત્રણવારના મુસદ્દા પછી વાર્તા પૂરી કરે જ કરે. રાત્રિબેઠકમાં ઘેરા અવાજે, કંઈક ઝડપથી પઠન કરે. વચ્ચે વચ્ચે ગીતાબહેન અને ભરતભાઈની આંખમાં પોતે જ વાર્તા લખી હોય એવા ચમકારા રમતા રહે તો શેખસાહેબ કોઈ મૌલવીની અદામાં આયાત સાંભળતા હોય એમ ચશ્માં કાઢીને આંખો ઉઘાડબંધ કર્યા કરે. કિરીટનું પઠન પૂરું થાય પછી ખરી મજા આવે. પાંચ-દસ મિનિટ તો એમ લાગે કે બધાની સરસતી હણાઈ ગઈ છે! પછી જે ચર્ચાઓ ચાલે... ભાગ્યે જ કોઈ તાર ઝણઝણવાનો બાકી રહે. આ દરમિયાન કિરીટ, તેની વહુનાં વખાણ થતાં હોય એવા સંકોચમિશ્રિત આનંદથી સાંભળી રહે. બિપિનની વાર્તાપ્રક્રિયા તદ્દન જુદી, ઉત્તર ગુજરાતના ગણિત જેવી. તેના હાથ વાર્તા લખતાં પહેલાંય ધ્રૂજતા હોય, લખતી વખતેય ધ્રૂજતા હોય ને લખ્યા પછીયે ધ્રુજારી ચાલુ હોય. છુટ્ટી છુટ્ટી લાઈનોમાં, પ્રમાણમાં નાના અક્ષરે તેનું લખાણ ઊતર્યા કરે. પેન એવી રીતે પકડે કે આપણને એમ લાગે કે તે પોતાની સહી કરવાથી વિશેષ કશું આગળ નહીં કરી શકે. પણ એની કચ્છપગતિ ધીરેધીરે રંગ લાવે. એકાદ પાનું લખ્યા પછી કોઈને ન બતાવે તો ચેન ન પડે. કહેવું જોઈએ કે આ બધા મિત્રો અદ્ભુત હતા. બધા બિપિનને પાનો ચડાવે. બિપિન લખતો રહે ને તેની વાર્તા પૂરી થાય ત્યારે સમગ્ર વિશ્વ હાશકારો અનુભવે. બિપિનના પઠન વખતે લગભગ બધાના ચહેરા મુસ્કુરાતા હોય, કેમકે એમાં હાસ્ય-કટાક્ષની સિક્સરો હોય. વળી તેને પાત્રો જ એવાં મળેલાં કે આપોઆપ જીવતાં થઈ રહે. ભરતભાઈ તેમનું લખાણ વાંચવાના હોય એ સાંજથી જ ગીતાબહેનનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હોય. પઠન દરમિયાન અમે કંઈક હલનચલન કરીએ તોય તે અકળાઈ જાય. વણકહ્યે પણ તેમની અપેક્ષા એવી કે રાજાની સવારીમાં ચૂં-ચાં ન ચાલે. અમને આ વાતની ખબર પડી ગયા પછી સતત સખણા રહેવાનું મુશ્કેલ બની રહે, પણ તે અમારી રગ જાણે એટલે ઝાઝા સતાવે કે વતાવે નહીં. ભરતભાઈ એકેએક શબ્દ જોખી જોખીને મૂકે. ઝીણાંઝીણાં સંવેદનોને તરત ન પકડાય એવી માર્મિકતાનો એ બાદશાહ. વાંચે ત્યારે કશો ભાર નહીં, ને આ લોકો નહીં સમજે એવો અવિશ્વાસ પણ નહીં. દક્ષિણ ગુજરાતના અમુક શબ્દો અમારા લગી બરાબર નથી પહોંચ્યા એવું અમારી આંખમાંથી વાંચી જાય ત્યારે ચશ્માં સહેજ નીચે ઉતારી ને ધારદાર ચકળવકળ આંખો અમારી સામે માંડીને પ્રેમથી બે-ત્રણ પર્યાયો આપીને અર્થ સમજાવે. ભરતભાઈ એટલું બધું સઘન લખેકે ન પૂછો વાત. લખાણની સઘનતા તેમનું વ્યક્તિત્વ પણ સૂચવી જાય. સાંઈબાબા છાપ ફટકો બાંધેલો તો હોય જ અને નાકનકશો જરા તીખો લાગે, પણ આ માણસની આંખમાં સતત અમી રહે. ડર ન લાગે છતાં તેમનો એક પ્રકારનો ભાર તોલ અચૂક રહે. ગુલામમોહમ્મદ શેખ કહેતાં શેખસાહેબના ‘ભાઈ’ અને ‘ગોદડી’ વિષયક નિબંધ તો જાણે ગુજરાતી ભાષાનું ઘરેણું. ચશ્માં કાઢીને ઝીણી આંખે, દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં તે વાંચતા હોય ત્યારે અમે બધા ધરતી પર ન રહેતા.તેમના ભાવકોનો ચૈતન્ય રથ પણ બે વેંત અધ્ધર ઊડતો. અત્યંત સુંદર અને એકસરખા અક્ષરો. લાઈનો પણ વ્યવસ્થિત. કોઈ શિલ્પી ગ્રેનાઈટમાં કંડારતો હોય એમ શેખસાહેબ ગદ્યને કંડારે. તેમ છતાં, રસ-રૂપ-ગંધ-દૃશ્ય બધું જ એમાં આવે. ચિત્રકાર હોવાનો તેમને ઘણો લાભ. ભાગ્યે જ કોઈ ગદ્યરેખા આડીઅવળી થાય કે કોઈ રંગ આછો-ઘાટો બની જાય. શેખસાહેબ વાસ્તવના સત્યથી દૂર ન જવાય અને કલાનું સત્ય નંદવાય નહીં એની કાળજી લેતાં લેતાં ગદ્ય આળખે. શબ્દોથી પાત્રોને ચીતરવાનું તો કોઈ ઉનસે સિખે ભલા...! ગામડેથી સીધો જ બસમાં બેસીને આવી ચડ્યો હોય એવો કાનજી કહેતાં લુણાવાડાનો કાનજી પટેલ. ‘કોતયડાની ધાર’વાળો કાનજી. અંગ્રેજીનો અધ્યાપક, પણ નખશિખ માટીનો જીવ. સવારે દાતણ કરે તોય લીમડાનું. કશો જ છોછ નહીં. જીવનનો સહજ સ્વીકાર. આંખો માંડી માંડીને બધું જોયા કરે, અંદર ઉતાર્યા કરે. નરવો પણ ઘણો. અમે તેની ગમે એટલી ફિલમ ઉતારીએ તોય તે અમારાથી અદકો આનંદ મેળવી લે! ‘સાહચર્ય’માં તેણે ગદ્ય ઓછું વાંચ્યું છે, પ્રમાણમાં કવિતાઓ વધારે. તેની કવિતાઓમાં વચ્ચેવચ્ચે છૂટી જતી જગ્યાઓ તમારે શોધવી પડે. અન્યથા આખા કાવ્યને અન્યાય થાય. તેનો તળ પ્રદેશનો અનુભવ વિલક્ષણ છે.પરંપરા, આધુનિકતા, વિધિવિધાનો અને ભાષાનાં નવાં-જૂનાં સાથે બદલાતાં રૂપોમાં તેને રસ પડે. ક્યારેક કોઈ એકાદ શબ્દ માટે પણ કવિતા કરવાનો ઉપક્રમ રચી કાઢે. અવાજ ધીમો નહીં પણ ગતિ ધીમી એ તેનો ને તેની કવિતાનો વિશેષ. ‘સવ્ય-અપસવ્ય’વાળા અનિલ વ્યાસમાં ભગવાન વ્યાસની ગંભીરતાનો છાંટો ન મળે! પણ ગદ્ય લખે ત્યારે કચ્ચીને! જોડણીફોડણી મારી ફરે ને આ લાલો લખતો જાય. પોતે થાકે ત્યારે કોઈપણ લખતાં-વાંચતાંને અવળે રવાડે ચડાવી શકવાની પૂરી ક્ષમતા ધરાવે. કોઈપણ ઘટના કે પ્રસંગને તાદૃશ કરવાની જબ્બર આવડત. પહેલું લખાણ તો ડોળિયું જ હોય, પણ બીજીવાર લખે ત્યારે એમાં રંગો પૂરે. કાટ-છાંટ કરે. વાર્તા લખાઈ ગયા પછી પઠન કરવાનો વારો આવે ત્યારે રસ પડે એવી રીતે વાંચે. પોતે જ પોતાના પર મુગ્ધ થતો રહે. તેની આ મુગ્ધતાને અમે દાદ આપીએ ત્યારે ગદ્યની દાદ સમજી લે એવો ભોળો પણ નહીં. તેને આખેઆખાં કૅરૅક્ટર્સ સપનામાં આવે, પછી લખતી વખતે એ પાત્રનું ‘કૅરૅક્ટર’ અનિલ પોતે નક્કી કરે. પ્રમાણમાં સુરેખ લખાણ. ક્યારેક આખેઆખું પાનું લખીને વચ્ચોવચ ઊભો લીટો તાણીને પાનાને ફેંકી પણ દે. એક વાત છે કે તેને લખવાના શ્રમનો કંટાળો નહીં. એકની એક વસ્તુ ત્રણ-ચાર વખત અલગ અલગ રીતે લખી જાણે. બિન્દુની લખવાની રીતિ એવી કે હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવી જાય- ‘જળમાં લખવાં નામ...’ તેના મનમાં પાત્ર-પ્રસંગની આછોતરી રેખાઓ જ હોય. ધીરે ધીરે લખતાંલખતાં એમાં માંસ-મજ્જા અને અસ્થિની સાથે પ્રાણ પુરાતા જાય. તેનાં પાત્રો અત્યંત જીવંત. આંખ સામે બધું ભજવાતું હોય એવું લાગે. હિન્દીની નવલકથાઓનો અભ્યાસ, સૌરાષ્ટ્રતળનું વાતાવરણ અને વાતને બીજે છેડેથી જોવાની દૃષ્ટિ. આ બધું તેને ફળ્યું છે. આત્મવિશ્વાસ લેખન બાબતે ઓછો એનો પુરાવો તેના પેન્સિલ વર્કમાંથી મળી રહે. પહેલો મુસદ્દો હંમેશાં પેન્સિલથી જ કરે. છેક-ભૂંસ થાય ન થાય એ અલગ વાત, પણ પેન્સિલના લખાણને ભૂંસી શકાય છે એવો સૂક્ષ્મ સધિયારો તેના લેખન વર્તનમાંથી મળી રહે. ત્રણ-ચાર વખત લખે. જેમ વધુ ડ્રાફ્ટ થાય એમ તેનું લખાણ ટૂંકું થતું જાય! લાઘવની ઉપાસના ઘણી. મારા જેવો સામાન્ય માણસ એક પૅરેગ્રાફમાં જે કહે એને એ એક વાક્યમાં મૂકી આપે એવી સજ્જતા. શરૂઆતમાં તેની હિન્દીથી ગીતાબહેન બહુ અકળાતાં, પણ હિન્દી તેના વિચારની ભાષા છે એવું જાણ્યા પછી બિન્દીની હિન્દી પર તે ઓળઘોળ થયેલાં. પરંતુ ભરતભાઈનો બિન્દુ માટે વિશેષ ભાવ. હું ક્યારેક બિન્દુના લખાણ સંદર્ભે કશુંક ટીકાત્મક બોલવા જાઉં તો પણ રોકી લે. પછી પોતે માર્મિક રીતે કહી બતાડે! એટલું નક્કી કે બિન્દુ નિજી ચાલે જ ચાલેને સહુ સંમત થાય એવું લખી જાણે! રાત્રિ બેઠકનો રંગ દરાખિયો. ભરતભાઈ તેમની લાંબી અને ઘાટીલી આંગળીઓ દ્વારા અમુક રીતે ગ્લાસ પકડે. બૉટલમાંથી ગ્લાસમાં દ્રવ્ય પડે એનો સંગીતમય ધ્વનિ સહુ એકકાને સાંભળી રહે. પેગ બનાવવામાં ભરતભાઈ ઉસ્તાદ. સાકી જેટલું જ તાદાત્મ્ય અને તાટસ્થ્ય એ વખતે તેમનામાં પ્રવેશી જાય. અત્યંત કલાત્મકતા અને પ્રશિષ્ટતા તેમને ઘેરી વળે. પવિત્ર ભાવથી બધાનો પરિતોષ કરે. આ સમયે બધા હળવાફૂલ. જાતભાતનાં જોડકણાં અને મિમિક્રીઓ થાય. ભૂપેન ખખ્ખરે અને અતુલે ચિત્રો કર્યાં હોય. કપડાં પર ક્યાંક રંગના ડાઘા રહી ગયા હોય. દુનિયાભરના સાહિત્યકારો અને કલાકારોનો મેળો ભરાયો હોય એવું લાગે. વાતચીતમાં ને ચર્ચામાં એટલી બધી માર્મિક અને અગત્યની વિગતો આવે કે રળિયાત થઈ જઈએ. અજય સરવૈયા જેવા યુવામિત્રો મુગ્ધભાવે આકંઠપાન કર્યા કરે. આ બેઠકનો જલસો એ કે કોઈ રોકટોક નહીં, બધા સમગ્ર અસ્તિત્વથી વ્યક્ત થયા કરે. બીજું મહત્ત્વનું એ હતું કે આ સહુ સાહિત્યકારો અલગ અલગ પ્રદેશના. લખે ગુજરાતીમાં જ પણ દરેકની ગુજરાતી જુદી. પાત્રો-પરિવેશ નોખનોખાં. પરિણામે વૈવિધ્ય અને આશ્ચર્યનો તો પાર જ નહીં. હાજર હોય તેની વાત તો થાય જ, પણ ગેરહાજર હોય ને જેના પરિચયમાં આવ્યા હોય તેની પણ વાત થાય. સ્થૂળ-સૂક્ષ્મ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય ઉપસ્થિત થઈ ગયું હોય એવું જગત લાગે. મારે મુખે રમણલાલ જોશીની મિમિક્રી સાંભળીને આ મિત્રો એટલું બધું હસ્યા છે કે ન પૂછો વાત. લાફિંગ ક્લબમાં ગયા વિના જ તેમની થેરપી થઈ જતી. એકવાર તો ભૂપેન ખખ્ખર ઊભા થઈને બહાર જતા રહેલા. મને કહે, ‘હવે તું એક શબ્દ પણ બોલીશને તો મારાં આંતરડાં બહાર આવી જશે!’ ભૂપેનના એક ચિત્ર વિશે ડો. રમણલાલ જોશી શું કહે? એ વિશે હું વક્તવ્ય આપતો હતો. મજાની વાત તો એ થઈ કે રમણલાલની આંખે ને અવાજે મેં ચિત્રની વિવેચના કરી ત્યારે આ ચિત્રકારો પણ બોલી ઊઠ્યા કે ચિત્ર વિશે આમ પણ વાત થઈ શકે એનું આશ્ચર્ય છે. મેં કહ્યું, ‘આ બધો યશ રમણલાલ જોશીને આપવો રહ્યો!’ કેટલાક મિત્રો અનુકૂળતાના અભાવે ક્યારેક અડધેથી જોડાય અથવા અડધેથી ચાલ્યા જાય એવું પણ બને, પરંતુ એ ચાર-પાંચ દિવસમાં એકાદ વખતની તેમની હાજરી પણ જીવ રેડી જાય. પ્રાણજીવન મહેતા વર્ષોથી એક લઢણમાં કામ કરે. ગદ્યની તરાહોને તરાશવાની તેમની રીત અનોખી. આનંદ અને કંટાળો એકસરખી રીતે કેમ પ્રગટ કરી શકાય એ તેમની પાસેથી શીખવા મળે. કપાળ પરની બંકિમલટ, હાથમાં સિગારેટ અને સફેદ ઝભ્ભા-લેંઘાવાળું મર્માળું હાસ્યએ તેમનું વ્યક્તિત્વ. અમે તેમને પ્રાણકાકા કહીએ. પ્રાણ કહીએ કે ખાલી જીવન કહીએ. જીવનની બધી સ્થિતિમાં તેમનો પ્રાણ સ્થિતપ્રજ્ઞ. પોતે લિજ્જત માણે છે એવી ખબર પણ બીતાં બીતાં જાહેર કરે. પ્રાણકાકાએ જેટલી સિગારેટ પીધી એટલા પ્રમાણમાં લખ્યું હોત તો હજી બે-ચાર પુસ્તકો વધારે મળ્યાં હોત ને તેમની તબિયત વહેલી લથડી ન હોત. જાણીતા અનુવાદક અને અભ્યાસી એવા કરમશી પીર કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી જગતના એક્સ-રે લીધા કરે. બહુ જ ઓછું બોલે, પણ તેમનો કાન પાકો. વીરચંદ ધરમશી તક મળે તો પટારો ખોલવાનું ન ચૂકે. કમલ વોરા અને જયદેવ શુક્લ કવિતાની હસ્તપ્રત બનાવે છે કે શિલાલેખ કોતરે છે એની ખબર ન પડે! બન્નેના અક્ષરો ભીષણ સુંદર. નૌશિલ મહેતા ફિલ્મ અને નાટકના માણસ. મેં તેમની પાસે ફિલ્મની પટકથા પહેલી વાર જોઈ. ચાલતાં ચાલતાં ચર્ચા થતી હોય ત્યારે તેમના બોલવાની ગતિ સાથે શર્ટને ખભેથી કે કોલરથી આમતેમ કરતા રહે. અનેક લોકોએ આયારામ-ગયારામ જેવું પણ કર્યું. હજી ઘણાય રહી જતા હશે. પણ અહીં બધાનું નામસ્મરણ કરવાનો ઉપક્રમ નથી. ‘સાહચર્ય’ની એકંદરે જે છાપ પડી એ અને એના વાતાવરણને ઉપસાવવાનો હેતુ છે. કોઈ નવો સાહિત્યકાર આવે ત્યારે બહુ મજા પડે. ભરતભાઈ કશું જ કહ્યા વિના ઘણું બધું સમજાવી શકે, જ્યારે ગીતાબહેન આગંતુકને રીતસરનો ‘બાપ્તિસ્મા’ કરાવે. અહીં આવનારા બધા કેટલા મહાન માણસો છે ને તું કેટલો પામર છે એની પ્રતીતિ કરાવે. આવું કરવા પાછળ તેમનો ઇરાદો આવનાર ને મહાન બનાવવાનો! ‘ગદ્યપર્વ’ના પ્રત્યેક અંકની પ્રતીક્ષા રહેતી. અમે મિત્રો એક સાથે એમાં છપાયા હોઈએ એનો વળી વિશેષ આનંદ. પહેલા પૂંઠાથી છેલ્લે સુધી આકંઠપાન કરીએ. વાર્તાઓની ચર્ચા દિવસો સુધી ચાલતી રહે. ‘ગદ્યપર્વ’માં પ્રગટ થતાં લખાણ અને ચિત્રોની ભરતભાઈ ખૂબ કાળજી લે. અંક રવાના થાય એ પહેલાં તેમના મનમાં પ્રતિભાવોની સહજ અપેક્ષા જાગી હોય. અમે ફોન કે પત્ર દ્વારા કંઈ જણાવીએ ત્યારે તેમનો આનંદ બેવડાઈ જતો. ‘ગદ્યપર્વ’ અને ‘સાહચર્ય’ એક અર્થમાં આંદોલન હતું, આપણાં મૂળ તરફ વળવાનુંને કલાત્મક વાર્તાઓ કે નિબંધો સર્જવાનું. આ આંદોલન નિમિત્તે ગુજરાતી ગદ્યની રિદ્ધિ-સિદ્ધિમાં સારો એવો ઉમેરો થયો. કેટકેટલા વાર્તાકારો લખતા થયા. અરે, એમ કહેવાય કે નવી રીતે લખતા થયા. આપણે ત્યાં રે-મઠકાળની વિગતો કંઈક મુગ્ધભાવે, કંઈક બીકથી અને કંઈક રોમાંચથી આલેખાઈ છે. આ ‘સાહચર્ય’ વિશે ભાગ્યે જ વાત થઈ, પણ એનાં પરિણામોએ ગુજરાતીગદ્યની સિકલ અને ફસલ ફેરવી નાંખીએ પણ એક ઐતિહાસિક તથ્ય તરીકે સ્વીકારવું રહ્યું. ‘ઇલેક્ટ્રિક ટ્રેન’માં ગીતાબહેનના જે નિબંધો છે એને ગીતાબહેન બહુ સંકોચ સાથે વાંચી સંભળાવતાં. વાંચતાં પહેલાં તેમના ગાલમાં ઊપસી આવતાં ખંજનો ઘણુંબધું કહી જતાં. આ બધા ગદ્યવીરો શું કહેશે એની મીઠી ચિંતા તરવર્યા કરતી. પણ ધીરેધીરે એ નિબંધોને તેમણે એક આકાર આપ્યો. વિશિષ્ટ અને વિચિત્ર પાત્રો અને પરિસ્થિતિઓને આલેખવામાં ગીતાબહેન ઘણાં સફળ થયાં. ઊડીને આંખે વળગે ને અંતરથી આનંદ થાય એવી વાત તો એ હતી કે આ બધા વાર્તાકારો એકસાથે એક સમયે લખતા, પણ કોઈએ કોઈનો પ્રગટ કે અપ્રગટ પ્રભાવ ઝીલ્યો નહોતો. સહુની નિજીચાલ. ગદ્યની ફોરમ પણ જુદી. નાયક દંપતીનો વિશેષ એ કે બધાનાં વ્યક્તિત્વ અક્ષુણ્ણ રહેવા દીધાં. ભરતભાઈની ભાષાપ્રીતિ જબરી. દરેક વાર્તાકારની પ્રાદેશિકતાથી તેમની રોમરાઈ જાગી જતી. એડિટિંગ કરે તો પણ મૂળની ફોરમ અળપાય નહીં એનું ધ્યાન રાખે. મેં ‘જાળિયું’ વાર્તા ‘ગદ્યપર્વ’ને ટપાલથી મોકલેલી. ભરતભાઈનો અદ્ભુત પત્ર મળેલો. એ વાર્તાએ જ મારા માટે ‘સાહચર્ય’નું જાળિયું ખોલી આપેલું. એ પછી તો જે સંબંધો થયા એ જિંદગીભરના બની રહ્યા. આ ક્ષણે એ બધું વાગોળવાનો પણ આનંદ છે.